Monday, March 3, 2025
More

    58 સ્માર્ટ સિટી, 92000 નવી નોકરીઓ, મથુરા-વૃંદાવન કોરિડોર…: ઉત્તર પ્રદેશના બજેટમાં સામે આવ્યો યોગી સરકારનો એક્શન પ્લાન

    આજે ગુજરાતની સાથે સાથે ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) સરકારે પણ બજેટ (UP Budget) રજૂ કર્યું હતું. આ યોગી સરકારનું સતત 9મું બજેટ હતું. ઉત્તર પ્રદેશના નાણામંત્રી સુરેશ ખન્નાએ નાણાકીય વર્ષ 2025-26 માટે વિધાનસભામાં ₹8,08,736 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું, જે 2024-25ના બજેટ કરતાં 9.8 ટકા વધુ છે.

    આ બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. જેમાં યુપી સરકાર રાજ્યના લોકોની સુવિધા માટે 4 નવા એક્સપ્રેસવે બનાવશે. રાજ્યના યુવાનોને વ્યાજમુક્ત લોન આપવામાં આવશે. બાંકે બિહારી કોરિડોર માટે ₹150 કરોડની જોગવાઈ. ઉત્તર પ્રદેશમાં 58 સ્માર્ટ સિટી બનાવવામાં આવશે.

    આ ઉપરાંત રાજ્યની પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓને સ્કૂટી, વિંધ્યાચલમાં એક પરિક્રમા માર્ગ બનાવવામાં આવશે, ખેડૂતો માટે મફત સિંચાઈની વ્યવસ્થા, રાજ્યમાં 92000 નવી નોકરીઓ, ઇલેક્ટ્રિક બસો માટે ₹100 કરોડની જોગવાઈ ઉપરાંત મુખ્યમંત્રી સક્ષમ પોષણ યોજના માટે ₹100 કરોડ ફાળવવામાં આવ્યા છે.

    રાજ્ય માર્ગ પરિવહન નિગમ માટે ₹400 કરોડ, લઘુમતી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે ₹365 કરોડ, OBC શિષ્યવૃત્તિ માટે ₹2825 કરોડ, મથુરામાં પ્રવાસન વધારવા માટે ₹125 કરોડ ફાળવવામાં આવશે. આ સિવાય દરેક ગ્રામ પંચાયતના સૌથી ગરીબ પરિવારની મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ કરવામાં આવશે.