શુક્રવારે (31 જાન્યુઆરી) સંસદનું બજેટ સત્ર શરૂ થયા બાદ આજે હવે નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં દેશનું વાર્ષિક બજેટ રજૂ કરશે.
સવારે નાણામંત્રી પહેલાં નાણાં મંત્રાલય પહોંચ્યાં હતાં, જ્યાં અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેઓ રાષ્ટ્રપતિ ભવન જવા રવાના થયાં.
અહીંથી તેઓ સંસદ ભવન પહોંચશે. સંસદમાં બજેટની કૉપી પહેલેથી જ મોકલી દેવામાં આવી છે. સંસદ ભવન ખાતે સવારે 10:30 આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની એક બેઠક મળશે, જેમાં બજેટને સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવશે. ત્યારબાદ નાણામંત્રી 11 કલાકે લોકસભામાં બજેટ રજૂ કરશે.
બજેટમાં મધ્યમવર્ગ માટે મોટી ઘોષણાઓ થઈ શકે તેવું અનુમાન છે. બજેટ સત્રના આરંભે મીડિયા સાથે વાતચીત કરતાં પીએમ મોદીએ આ તરફ સંકેત પણ આપ્યા હતા. ટેક્સમાં પણ રાહત મળી શકે તેવું અહેવાલો અનુમાન લગાવી રહ્યા છે.