Tuesday, March 25, 2025
More

    ધોરણ 5થી 8માં નાપાસ થશો તો નહીં મળે પ્રમોશન: કેન્દ્ર સરકારે ‘નો ડિટેન્શન પોલીસી’ કરી નાબૂદ, મંત્રાલયે કહ્યું- ‘વિદ્યાર્થીઓના પરિણામને સુધારવા લેવાયો નિર્ણય’

    કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે (Central Education Ministry) એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. જે અંતર્ગત ‘નો ડિટેન્શન પોલીસી’ને (No Detention Policy) નાબૂદ કરી દીધી છે. આ નિર્ણય અનુસાર ધોરણ 5થી 8માં નાપાસ થનાર વિદ્યાર્થીઓને આગામી ધોરણમાં મોકલવામાં આવશે નહીં. તેમને નાપાસ જ ગણવામાં આવશે.

    જોકે 2 મહિના પછી તેમને ફરીથી પરીક્ષા આપવાનો અવસર આપવામાં આવશે, તેમાં પણ જો વિદ્યાર્થી પાસ નહીં થઇ શકે તો તેને આગલા ધોરણમાં મોકલવામાં આવશે નહીં. આ સિવાય ધોરણ 8 સુધીના કોઈ પણ વિદ્યાર્થીને શાળા નિષ્કાસિત કરી શકશે નહીં.

    આ મામલે શિક્ષા મંત્રાયલે કહ્યું હતું કે વિદ્યાર્થીઓના પરિણામ અને પ્રદર્શનને સુધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાથીઓની શીખવાની ક્ષમતામાં થઇ રહેલ ઘટાડાને રોકવા માટે આ નિર્ણય લેવો આવશ્યક હતો. મંત્રાલય અનુસાર ધોરણ 5થી 8ને પાયાના શિક્ષણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે તેથી આ નિર્ણય આ ધોરણો માટે લેવામાં આવ્યો છે.

    નોંધનીય છે કે 16 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોએ 2019 માં RTEમાં સુધારા પછી ‘નો-ડિટેન્શન પોલિસી’ પહેલેથી જ દૂર કરી દીધી છે. ત્યારે આ નિર્ણય અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત 3,000થી વધુ શાળાઓને લાગુ પડશે.