દક્ષિણના રાજ્ય તેલંગાણામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં નગરકુરનૂલ જિલ્લામાં એક નિર્માણાધીન ટનલનો એક ભાગ ધસી પડવાના કારણે અમુક શ્રમિકો ફસાઈ ગયા છે. જેમનો આંકડો 6 સુધીનો હોવાનું મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે. જોકે ક્યાંક આઠ શ્રમિકો હોવાની ચર્ચા ચાલે છે.
ઘટના શનિવારે (22 ફેબ્રુઆરી) તેલંગાણાના નગરકુરનૂલમાં શ્રીશૈલમ લેફ્ટ બેન્ક કેનાલના નિર્માણાધીન હિસ્સામાં બની. છતનો એક ભાગ ધસી પડવાના કારણે અહીં કામ કરતા શ્રમિકો દબાઈ ગયા હતા. 6થી 8 મજૂરો દબાઈ ગયા હોવાની આશંકા છે.
નિર્માણ કંપનીની ટીમો આકલન કરવા માટે ટનલની અંદર ગઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ, શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે રાહત-બચાવકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી કાર્યાલયે અને કેન્દ્રીય મંત્રાલયે પણ ઘટનાનું સંજ્ઞાન લઈને ઉચિત કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.
રિપોર્ટ અનુસાર, રાજ્ય સરકાર એ નિષ્ણાતોની પણ મદદ લઈ રહી છે જેમણે 2023માં ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવામાં ભૂમિકા ભજવી હતી. તે સમયે 41 શ્રમિકો ટનલમાં ફસાઈ ગયા હતા, જેમને દિવસો બાદ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.