પ્રેશર પોલિટિક્સ રમીને પાર્ટીનાં પદો પરથી રાજીનામું આપનાર આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને હવે પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા છે.
ગુજરાત AAP પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ એક પોસ્ટ કરીને આ જાણકારી આપી.

ઈસુદાન ગઢવીએ લખ્યું કે, ઉમેશ મકવાણાને પાર્ટીવિરોધી અને ગુજરાતવિરોધી ગતિવિધિઓ માટે પાંચ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે.
માત્ર હજુ એક પોસ્ટ જ સામે આવી છે. આધિકારિક દસ્તાવેજ કે પત્રવ્યવહાર થયો હોવાનું હજુ ધ્યાને નથી.
ઉલ્લેખનીય છે કે થોડા કલાક પહેલાં જ ઉમેશ મકવાણાએ ગાંધીનગરમાં એક પ્રેસ કૉન્ફરન્સ કરીને પાર્ટીના વિધાનસભામાં દંડક અને સંયુક્ત રાષ્ટ્રીય સચિવ પદેથી રાજીનામું આપ્યું હતું. જોકે ધારાસભ્ય પદ વિશે કહ્યું હતું કે તેઓ જનતાને પૂછીને નિર્ણય કરશે. બીજી તરફ, પાર્ટીના પ્રાથમિક સભ્યપદે પણ યથાવત રહ્યા હતા.
જોકે તેમણે આમ આદમી પાર્ટીને પણ ભાજપ અને કોંગ્રેસ સાથે મૂકીને કહ્યું હતું કે કોઈ પાર્ટી પછાત સમાજ માટે કામ કરી રહી નથી અને તેમનો ઉપયોગ માત્ર ચૂંટણીમાં મત મેળવવા માટે કરવામાં આવે છે.