Wednesday, March 5, 2025
More

    ‘અમેરિકાએ યુક્રેન માટે ઘણું કર્યું છે, યુદ્ધવિરામ માટે સાથે કામ કરવા તૈયાર’: લશ્કરી સહાય બંધ થયા બાદ ઝેલેન્સ્કીની નીકળી હેકડી, કહ્યું- રાષ્ટ્રપતિ ટ્રમ્પના આભારી

    યુક્રેનના (Ukraine) રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ (Zelenskyy) તાજેતરમાં જ વાઇટ હાઉસમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) અને ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ (JD Vance) સાથે તકરાર ઊભી કરી હતી. જે બાદ હવે અમેરિકાએ યુક્રેનને અપાતી તમામ લશ્કરી સહાય બંધ કરી દીધી છે. સહાય બંધ થયા બાદ હવે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી પણ સીધા દોર થયા હોવાનું દેખાઈ રહ્યું છે. તેમણે X પર પોસ્ટ કરીને અમેરિકાને પોતાનો સાચો હિતેચ્છુ ગણાવ્યો છે.

    તેમણે પોસ્ટ કરીને લખ્યું છે કે, શાંતિ માટે યુક્રેન પ્રતિબદ્ધ છે. યુક્રેન તેના માટે જલ્દીથી વાતચીતના મેજ પર આવવા માટે તૈયાર છે. તેમણે લખ્યું કે, “હું અને મારી ટીમ સ્થાયી શાંતિ માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પના મજબૂત નેતૃત્વમાં કામ કરવા તૈયાર છીએ. રશિયા પણ જો સાથે આપશે તો પહેલાં ચરણમાં કેદીઓને મુક્ત કરાવીને હવાઈ હુમલા બંધ કરવામાં આવશે.”

    વધુમાં લખ્યું કે, “મિસાઈલો, લાંબી દૂરીના ડ્રોન, એનર્જી અને નાગરિકો માટેના ઇન્ફ્રાસ્ટ્રકચર પર બૉમ્બનો પ્રતિબંધ અને સમુદ્રમાં પણ તરત જ યુદ્ધવિરામ થઈ શકે છે. અમે મજબૂત અંતિમ કરાર પર સહમત થવા માટે અમેરિકા સાથે કામ કરવા માંગીએ છીએ. અમે ખરેખર એ વાતને મહત્વ આપીએ છીએ કે, અમેરિકાએ યુક્રેનની સંપ્રભુતા અને સ્વતંત્રતા માટે ઘણું કર્યું છે અને અમને તે ક્ષણ પણ યાદ છે કે, વસ્તુઓ બદલાઈ ગઈ છે. અમે ડોનાલ્ડ ટ્રમ્પના આભારી છીએ.”

    વધુમાં તેમણે વાઇટ હાઉસ બેઠકને યાદ કરતા કહ્યું કે, જેવી બેઠક યોજાવી જોઈતી હતી, તેવી થઈ શકી નહીં. હવે વસ્તુઓને યોગ્ય કરવાનો સમય છે. યુક્રેન ઈચ્છે છે કે, ભવિષ્યમાં સહયોગ બને. ખનીજ અને સુરક્ષા પર કરારને લઈને યુક્રેન કોઈપણ સમયે હસ્તાક્ષર કરવા તૈયાર છે. યુક્રેનને આશા છે કે, તે અસરકારક રીતે કામ કરશે.