Wednesday, March 12, 2025
More

    30 દિવસ માટે યુદ્ધવિરામ કરવાનો અમેરિકાનો પ્રસ્તાવ યુક્રેને સ્વીકાર્યો, હવે પુતિનના નિર્ણયની રાહ

    રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધને અટકાવવા અને યુદ્ધવિરામ કરવા માટે યુક્રેને સહમતિ દર્શાવી દીધી હોવાનું અમેરિકાનું કહેવું છે. અમેરિકાએ 30 દિવસ માટે યુદ્ધવિરામ કરવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો છે, જે મામલે મંગળવારે (11 માર્ચ) સાઉદીના જેદ્દાહમાં એક બેઠક થઈ હતી. 

    આ બેઠકમાં યુક્રેને અમેરિકન પ્રસ્તાવનો સ્વીકાર કરવાની તૈયારી દર્શાવી છે. જેની સાથે જ અમેરિકાના ટ્રમ્પ પ્રશાસને યુક્રેનને મોકલવામાં આવતી સૈન્ય સહાય અને ઇન્ટેલિજન્સમાં કરવામાં આવતી મદદ પર જે કામચલાઉ ધોરણે રોક લગાવી હતી, તે પણ હટાવી લીધી છે અને હથિયારો અને ઉપકરણો ફરી મોકલવાનું શરૂ કર્યું છે. 

    અમેરિકાનું કહેવું છે કે યુક્રેન તૈયાર થઈ ગયા બાદ હવે બોલ રશિયાની કોર્ટમાં છે. જો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પ્રસ્તાવનો સ્વીકાર કરે તો આગળ વધવામાં આવશે અને અમેરિકાની મધ્યસ્થતાથી યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહી અટકશે. 

    અમેરિકન સેક્રેટરી ઑફ સ્ટેટ (ભારતમાં વિદેશમંત્રી સમકક્ષ) માર્કો રૂબિયોએ બેઠક બાદ જણાવ્યું કે, “આજે અમે યુક્રેનિયનો સમક્ષ એક પ્રસ્તાવ મૂક્યો, જે તેમણે સ્વીકારી લીધો છે, જેનાથી યુદ્ધવિરામ થશે અને તાત્કાલિક વાટાઘાટો શરૂ થશે. હવે અમે આ પ્રસ્તાવ રશિયનો સમક્ષ લઈ જઈ રહ્યા છીએ અને આશા છે કે તેઓ પણ તેને સ્વીકારશે. જો તેઓ નહીં સ્વીકારે તો દુર્ભાગ્યપૂર્ણ રીતે આપણને પણ જાણવા મળશે કે અહીં શાંતિમાં શું અડચણરૂપ બની રહ્યું છે.”

    અહેવાલો જણાવી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સંભવતઃ આ અઠવાડિયે ફરી એક વખત રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીત કરશે.