Saturday, March 22, 2025
More

    સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે અગ્રેસર ગુજરાત: ગાંધીનગરમાં રંજના દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાઈ UCC કમિટીની મહત્વપૂર્ણ બેઠક

    યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવા માટે ગુજરાત સરકાર સતત કાર્યવાહી હાથ ધરી રહી છે. UCC માટેની કમિટીની જાહેરાત થયા બાદ હવે જાણવા મળી રહ્યું છે કે, ગાંધીનગરમાં UCC કમિટીની મહત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ રંજના દેસાઈ કરી રહ્યા હતા.

    આ ઉપરાંત યુનિફોર્મ સિવિલ કોડ અંગે સૂચનો અને મંતવ્યો રજૂ કરવા માટે ઓનલાઈન પોર્ટલ uccgujarat.in પણ લૉન્ચ કરવામાં આવ્યું છે. આ સાથે જ સમિતિના અધ્યક્ષ રંજના દેસાઈએ ગુજરાતના નાગરિકોને UCC અંગેના સૂચનો પોર્ટલ પર મોકલવા માટેની અપીલ પણ કરી છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં ઘણા મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હોય શકે છે.

    આ સાથે જ મીડિયા સાથે વાત કરતા રંજના દેસાઈએ કહ્યું છે કે, “આ કમિટી UCC પર એક ડ્રાફ્ટ બનાવીને તૈયાર કરશે. દિલ્હીમાં પણ અમારી બેઠક થઈ હતી, ત્યાં પણ એક કાર્યાલય સ્થાપિત કરવામાં આવ્યું છે. કોમન સિવિલ કોડ ઉત્તરાખંડમાં પણ લાગુ થયું છે અને બંધારણમાં પણ તે વિશે લખ્યું છે. સુપ્રીમ કોર્ટે પણ વારંવાર આ વિશે જજમેંટ આપ્યા છે.”

    વધુમાં સમિતિના અધ્યક્ષે કહ્યું છે કે, તેઓ વહેલી તકે રિપોર્ટ બનાવવાનું કાર્ય પૂર્ણ કરશે અને રાજ્ય સરકારને અહેવાલ સુપરત કરશે. નોંધવા જેવું છે કે, તાજેતરમાં જ ઉત્તરાખંડમાં UCC લાગુ થયા બાદ હવે ગુજરાત પણ તે દિશામાં આગળ વધી રહ્યું છે.