તાજેતરમાં ગુજરાત પોલીસ વડાએ એક પરિપત્ર કરીને શાળાઓ દ્વારા યોજવામાં આવતા શૈક્ષણિક પ્રવાસમાં પોલીસકર્મીઓને પણ સાથે રાખવા માટે સૂચના આપી છે. 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી DGP કૉન્ફરન્સમાં આ બાબતની ભલામણો કરવામાં આવી હતી, જેની ઉપર ગુજરાત પોલીસે અમલ શરૂ કર્યો છે.
29 મે, 2025ના રોજ DGPએ શિક્ષણ વિભાગના અગ્ર સચિવને મોકલેલા પત્રમાં જણાવ્યું હતું કે DGP-IGP કૉન્ફરન્સ 2024માં વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીએ રાજ્ય પોલીસને અમલ કરવા માટે કુલ 108 ભલામણો સૂચવી હતી. જેમાંથી શૈક્ષણિક પ્રવાસ દરમિયાન પોલીસકર્મીઓને સાથે રાખવા બાબતની ભલામણ પર અમલવારી કરવા માટે સૂચના આપવામાં આવે છે.

જે અનુસાર, વિદ્યાર્થીઓ માટે આયોજિત થતા પ્રવાસ, ટુર, પિકનિક કે મુલાકાત દરમિયાન ગણવેશધારી 2 પોલીસકર્મીઓને સાથે હાજર રાખવા. શાળાના આચાર્યએ આ માટે સ્થાનિક પોલીસ મથકનો સંપર્ક કરવાનો રહેશે. ઉપરાંત જો આ પ્રવાસ કે મુલાકાત દરમિયાન વિદ્યાર્થિનીઓ પણ હોય તો મહિલા પોલીસકર્મીઓને પણ સાથે રાખવા માટેની સૂચના આપવામાં આવી છે.
પત્રમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યની તમામ સરકારી, અર્ધસરકારી કે ખાનગી શાળાના આચાર્યોએ આ સૂચનાનો અમલ કરવાનો રહેશે.