અમેરિકામાં ડંકી રૂટ મારફતે ગેરકાયદેસર ઘૂસી ગયેલા 119 ભારતીય નાગરિકોને લઈને USનું સૈન્ય વિમાન શનિવારે (15 ફેબ્રુઆરી) અમૃતસર ઊતર્યું. આ અત્યાર સુધીની આવી બીજી ફ્લાઇટ છે. આ 119 વ્યક્તિઓમાંથી 117 તો પોતપોતાના ઘરે ચાલ્યા ગયા પણ બે ઇસમો સીધા પોલીસ કસ્ટડીમાં પહોંચ્યા. કારણ એ છે કે બંને સામે અહીં એક હત્યાનો કેસ ચાલી રહ્યો છે.
સંદીપ અને પ્રદીપ નામના આ બે પિતરાઈ ભાઈઓ સામે વર્ષ 2023માં પંજાબના પટિયાલાના રાજપુરા નગરમાં એક હત્યાનો કેસ નોંધાયો હતો. બંને ત્યારથી વૉન્ટેડ હતા અને અમેરિકા જવા માટે દેશ છોડી ગયા હોવાના કારણે પોલીસ પકડી શકી ન હતી. પરંતુ આ ડિપોર્ટ કરાયેલા નાગરિકો સાથે તેઓ પણ આવી પહોંચ્યા તો પોલીસે ધરી લીધા.
આ બંને સામે જૂન 2023માં ઇન્ડિયન પીનલ કોડની કલમ 302≤ 307, 323, 506, 148 અને 149 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારથી બંને ફરાર ચાલી રહ્યા હતા. જોકે પોલીસે લૂક આઉટ સર્ક્યુલર ઇસ્યુ કર્યું ન હતું.
પરિવારનું કહેવું છે કે તેમણે બંનેને અમેરિકા મોકલવા માટે ₹1.20 કરોડ ખર્ચ્યા હતા. જે પાણીમાં ગયા અને બંને પકડાઈ ગયા એ નફામાં.