Tuesday, June 24, 2025
More

    ચિન્નાસ્વામી સ્ટેડિયમ નાસભાગ કેસ: કર્ણાટક ક્રિકેટ એસોશિએશનના બે સભ્યોનાં રાજીનામાં, ‘નૈતિક જવાબદારી’ સ્વીકારીને છોડ્યાં પદ

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની IPL જીતની ઉજવણી દરમિયાન બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર નાસભાગ મચતાં 11 વ્યક્તિઓનાં મોત થયા બાદ આ મામલે એક તરફ તપાસ ચાલી રહી છે ત્યાં બીજી તરફ કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોશિએશનના બે સભ્યોએ રાજીનામાં આપી દીધાં છે. 

    એ શંકર સેક્રેટરી હતા જ્યારે ઈ. એસ જયરામ ખજાનચી તરીકે સેવા આપતા હતા. બંનેએ નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામાં આપ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. બંનેએ KSCA પ્રમુખ રઘુરામ ભટને રાજીનામાં સુપરત કર્યાં છે. 

    બંનેએ પત્રમાં જણાવ્યું કે, દુર્ભાગ્યપૂર્ણ ઘટનાક્રમને જોતાં ભલે જે થયું તેમાં તેમની ભૂમિકા મર્યાદિત હતી, પરંતુ તેઓ ક્રિકેટ એસોશિએશનમાંથી નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપે છે.  

    ઉલ્લેખનીય છે કે ઘટના બાદ કબ્બન પાર્ક પોલીસ મથકે એક FIR દાખલ કરવામાં આવી હતી, જેમાં RCB, કર્ણાટક ક્રિકેટ એસોશિએશનની કમિટી અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને આરોપી બનાવવામાં આવ્યાં છે. પોલીસે આ મામલે RCBના માર્કેટિંગ હેડ સહિત ચારની ધરપકડ કરી છે, જેમને કોર્ટે જેલમાં મોકલી આપ્યા છે.