Tuesday, June 24, 2025
More

    અમેરિકામાં યહૂદી મ્યુઝિયમની બહાર ઇઝરાયેલી દૂતાવાસના બે કર્મચારીઓની હત્યા, હુમલો કરનારે લગાવ્યા ‘ફ્રી પેલેસ્ટાઇન’ના નારા

    અમેરિકાના વૉશિંગ્ટન ડીસી સ્થિત યહૂદી મ્યુઝિયમની બહાર બે ઇઝરાયેલી દૂતાવાસના કર્મચારીઓની હત્યા કરી નાખવામાં આવી. બંને એક કાર્યક્રમમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે ગોળી મારવામાં આવી. ગોળી મારનારે ‘ફ્રી પેલેસ્ટાઇન’ના નારા લગાવ્યા હોવાનું પણ પોલીસે જણાવ્યું છે. 

    ઘટના સ્થાનિક સમય અનુસાર રાત્રે 9:05 કલાકે બની. ગોળી મારનાર ઇસમ ગોળીબાર કરીને મ્યુઝિયમમાં ઘૂસી ગયો હતો, જેને સુરક્ષાકર્મીઓએ પ્રવેશ કરતો અટકાવ્યા બાદ પકડી લેવામાં આવ્યો. તેની ઓળખ 30 વર્ષીય એલિયાસ રોડ્રિગ્સ તરીકે થઈ હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે. મૂળ શિકાગોનો રહેવાસી છે.

    મૃતકોમાં એક યુગલ સામેલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઇઝરાયેલી દૂતાવાસે જણાવ્યું કે બંને ટૂંક સમયમાં સગાઈ કરવા જઈ રહ્યાં હતાં. 

    અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘટના પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, ઘટના આઘાતજનક હતી અને આ યહૂદીવિરોધી ભાવનાઓને ક્યાંય સ્થાન ન હોવું જોઈએ. તેમણે કહ્યું કે ઘૃણા અને કટ્ટરપંથી માનસિકતાને અમેરિકામાં કોઈ સ્થાન નથી. તેમણે મૃતકોના પરિજનોને સાંત્વના પાઠવી હતી. 

    અમેરિકન સેક્રેટરી ઑફ સ્ટેટ માર્કો રૂબિયોએ એક નિવેદનમાં કહ્યું કે, “આ એક કાયરતાપૂર્ણ અને યહૂદીવિરોધી હિંસાનું નિર્લજ્જ કૃત્ય હતું. એ વાતમાં કોઈ સંદેહ ન રહે કે અમે આ ઘટના પાછળ જે કોઈ જવાબદાર હશે તેને શોધી કાઢીને ન્યાયના કઠેડા સુધી લઈ આવીશું.”