Friday, July 11, 2025
More

    ઉત્તર પ્રદેશ ATSએ આગ્રામાંથી 2 ISI એજન્ટની કરી ધરપકડ: પાકિસ્તાનમાં મોકલી રહ્યા હતા ગગનયાન સહિતના પ્રોજેક્ટની ગુપ્ત માહિતી  

    ઉત્તર પ્રદેશ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ આગ્રાથી ઓર્ડનન્સ ફેક્ટરી ફિરોઝાબાદના ચાર્જમેન રવિન્દ્ર કુમાર અને તેના એક સાથીની ધરપકડ કરી છે. તેમના પર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIને ગુપ્ત લશ્કરી અને વૈજ્ઞાનિક માહિતી મોકલવાનો આરોપ છે.

    યુપી ATSની તપાસમાં જાણવા મળ્યું છે કે રવિન્દ્ર કુમારને એક મહિલા ISI એજન્ટે ‘નેહા શર્મા’ના નામે બનાવેલા નકલી ફેસબુક એકાઉન્ટથી ફસાવ્યો હતો. વાતચીત દરમિયાન મહિલાએ પોતાને પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના એજન્ટ તરીકેની ઓળખ આપીને રવિન્દ્રને પૈસાની લાલચ આપીને ગુપ્ત માહિતી મેળવી હતી.

    ATSને રવિન્દ્રના મોબાઇલમાંથી આર્મી અને ઓર્ડનન્સ ફેક્ટરી સંબંધિત ઘણા ગુપ્ત દસ્તાવેજો મળ્યા હતા. જેમાં 51 ગોરખા રાઈફલ્સના અધિકારીઓ અને લોજિસ્ટિક્સ ડ્રોનના ટ્રાયલ સંબંધિત માહિતી પણ સામેલ છે. તપાસમાં જાણવા મળ્યું કે તેણે આ સંવેદનશીલ માહિતી વોટ્સએપથી શેર કરી હતી.

    રવિન્દ્રએ ઓર્ડનન્સ ફેક્ટરી ફિરોઝાબાદ સંબંધિત ઘણા ગુપ્ત દસ્તાવેજો પાકિસ્તાનમાં ISI એજન્ટને મોકલ્યા હતા. આમાં ઓર્ડનન્સ ફેક્ટરીના દૈનિક ઉત્પાદન અહેવાલનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેણે સ્ક્રીનીંગ કમિટીના ગુપ્ત પત્રો પણ લીક કર્યા હતા. ઉપરાંત બંનેએ ડ્રોન અને ગગનયાન પ્રોજેક્ટ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી લીક કરી હોવાનું સામે આવ્યું હતું.

    યુપી ATS આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. રવિન્દ્રના અન્ય સંપર્કોને પણ તપાસવામાં આવી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે પૂછપરછ દરમિયાન વધુ મોટા ખુલાસા થઈ શકે છે. જેનાથી દેશમાં ISI નેટવર્કનો પર્દાફાશ થઈ શકે છે.