Monday, June 23, 2025
More

    દુનિયામાં પાકિસ્તાનની પોલ ખોલવા માટે ભારત સરકારનું અભિયાન શરૂ, આજે રવાના થશે સાંસદોનાં બે પ્રતિનિધિમંડળો

    પાકિસ્તાનના આતંકવાદ અને ભારતવિરોધી કરતૂતોને દુનિયામાં ઉઘાડાં પાડવા માટે ભારત સરકારે વિવિધ દેશોમાં સાંસદોનાં પ્રતિનિધિમંડળો મોકલવાનો નિર્ધાર કર્યો છે, જેમાં તમામ પાર્ટીના સાંસદો સામેલ છે. આવાં કુલ સાત પ્રતિનિધિમંડળો બનાવવામાં આવ્યાં છે, જેમાંથી 2 આજે રવાના થશે. 

    પહેલું ડેલિગેશન જેડીયુ સાંસદ સંજય ઝાના નેતૃત્વમાં જાપાન, ઈન્ડોનેશિયા, મલેશિયા, દક્ષિણ કોરિયા અને સિંગાપોરની યાત્રા કરશે. જેમાં ભાજપનાં અપરાજિતા સારંગી, TMC સાંસદ અભિષેક બેનર્જી, ભાજપ સાંસદ બ્રજલાલ, CPI સાંસદ જ્હોન બ્રિટાસ, ભાજપ સાંસદ પ્રદાન બરુઆ, કોંગ્રેસ સાંસદ સલમાન ખુર્શીદ, ભાજપ સાંસદ હેમાંગ જોશી અને રાજદૂત મોહન કુમાર સામેલ છે. 

    બીજું પ્રતિનિધિમંડળ રાત્રે UAE જવા માટે રવાના થશે, જે અન્ય મધ્ય-પૂર્વીય દેશોની પણ યાત્રા કરશે. આ ડેલિગેશનનું નેતૃત્વ શિવસેના સાંસદ શ્રીકાંત શિંદે કરશે. જેમાં ભાજપનાં બાંસુરી સ્વરાજ, IUMLના ઇટી મોહમ્મદ બશીર, ભાજપ સાંસદ અતુલ ગર્ગ, મન મિશ્રા, એસએસ અહલુવાલિયા, બીજેડી સાંસદ સસ્મિત પાત્ર અને રાજદૂર સુજન ચિનોય સામેલ છે. આ ડેલિગેશન પહેલાં UAE જશે. ત્યાંથી કાંગો, સિએરા લિઓન અને ત્યાંથી લાઇબેરિયા જશે. 

    બુધવારે બે ડેલિગેશન રવાના થયા બાદ ગુરુવારથી ક્રમશઃ અન્ય પ્રતિનિધિમંડળો પણ રવાના થશે. ભારત સરકારે પાકિસ્તાનની પોલ દુનિયાભરમાં ખોલવા માટે અને તેના આતંકવાદ અને તેને નાથવા માટે ભારતીય સેનાએ લૉન્ચ કરેલા ઑપરેશન સિંદૂર વિશે વિવિધ દેશોને જાણકારી આપવા માટે આ અભિયાન ઉપાડ્યું છે, જેમાં તમામ પાર્ટીઓને સામેલ કરવામાં આવી છે.