ઇઝરાયેલે યુનાઇટેડ કિંગડમનાં બે મહિલા સાંસદોને ડિટેઇન કરી લેતાં વિષય ચર્ચાનો મુદ્દો બન્યો છે. બંને સાંસદો સંસદીય પ્રતિનિધિમંડળનો ભાગ હતાં, પરંતુ ઇઝરાયેલમાં તેમને પ્રવેશ આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો.
આ બે સાંસદોમાં લેબર પાર્ટીનાં યુઆન યાંગ અને અબ્તિસામ મોહમ્મદનો સમાવેશ થાય છે. બંનેને ઇઝરાયેલવિરોધી વલણના કારણે દેશમાં ઘૂસવા દેવામાં આવ્યાં નથી. ઇઝરાયેલનું કહેવું છે કે બંને સુરક્ષાબળોની પ્રવૃત્તિઓ ડોક્યુમેન્ટ કરે તેવી આશંકા છે. આ સંજોગોમાં પ્રવેશ કરવા દેવાય નહીં.
ઇઝરાયેલના આ નિર્ણય સામે બ્રિટિશ સરકારે વાંધો લીધો છે. વિદેશ મંત્રી ડેવિડ લેમીએ કહ્યું કે, “અમે ઇઝરાયેલી સરકારને પણ કહ્યું છે કે આ પ્રકારનો વ્યવહાર અસ્વીકાર્ય છે અને અમે બંને સાંસદો સાથે સતત સંપર્કમાં છીએ.”