પ્રજાસત્તાક પર્વના એક દિવસ પહેલાં રાજકોટ (Rajkot) ગ્રામ્ય SOGએ બે બાંગ્લાદેશી ઘૂસણખોરોને (Bangladeshi infiltrators) ઝડપી પાડ્યા છે. રાજકોટમાંથી ઝડપાયેલા બંને બાંગ્લાદેશી નાગરિકો બે મહિનાથી રાજકોટમાં રહેતા હતા. SOG ટીમ પેટ્રોલિંગમાં હતી, દરમિયાન રંગપર ગામના પાટિયા નજીક મારુતિ સોસાયટીમાં રહેતા બે બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. હાલ પોલીસે તેની ધરપકડ કરી છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે.
નોંધવા જેવું છે કે, પકડાયેલા બાંગ્લાદેશી ઘૂસણખોરો કોઈપણ આધાર, પુરાવા વગર ભારતમાં અને બાદમાં ગુજરાતમાં ઘૂસી આવ્યા હતા. તેઓ રાજકોટમાં બે મહિનાથી ભાડે રહેતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે બંનેની પૂછપરછ કરતાં તેમણે તેનું નામ સોહિલહુસૈન યાકુબઅલી અને રિપોનહુસૈન અમીરઉલ ઇસ્લામ હોવાનું કબૂલ્યું છે અને બંને બાંગ્લાદેશની રાજધાની ઢાકા વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે.
બંને ઘૂસણખોરોએ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસ્યા હોવાનું પણ કબૂલ્યું છે. તેમણે કહ્યું છે કે, બાંગ્લાદેશની બોમરા બોર્ડર અને ભારતના બોંગા બોર્ડર જંગલ વિસ્તાર મારફત તેઓ કોલકાતા પહોંચ્યા હતા. ત્યાંથી હાવડા એક્સપ્રેસ ટ્રેન દ્વારા અમદાવાદ અને અમદાવાદથી રાજકોટ પહોંચ્યા હતા. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.