Sunday, June 22, 2025
More

    તુર્કિશ એવિએશન કંપનીને અપાયેલું સિક્યુરિટી ક્લિયરન્સ તાત્કાલિક અસરથી રદ, રાષ્ટ્રીય સુરક્ષાને જોતાં સરકારનો નિર્ણય

    ગુરુવારે (15 મે) એક અગત્યનો નિર્ણય લેતાં ભારત સરકારે તુર્કિશ કંપની સેલેબી એરપોર્ટ સર્વિસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને આપવામાં આવેલું સિક્યુરિટી ક્લિયરન્સ તાત્કાલિક અસરથી પરત ખેંચી લીધું. રાષ્ટ્રીય સુરક્ષાને જોતાં આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

    આ કાર્યવાહી બ્યુરો ઑફ સિવિલ એવિએશન સિક્યુરિટી દ્વારા કરવામાં આવી. એક પરિપત્ર બહાર પાડીને જણાવવામાં આવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં સેલેબી એરપોર્ટ સર્વિસિસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડને આપવામાં આવેલ સિક્યુરિટી ક્લિયરન્સ તાત્કાલિક અસરથી પરત ખેંચી લેવામાં આવે છે. 

    રિપોર્ટ્સ અનુસાર, તૂર્કીની આ કંપની દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈ સહિત આઠ ભારતીય એરપોર્ટ પર સુરક્ષા સંબંધિત કામકાજ જુએ છે. ભારતમાં વાર્ષિક 58 હજાર ફ્લાઈટ્સનું મેનેજમેન્ટ સંભાળતી હોવાનું કહેવાય છે. 

    આ કામોમાં ગ્રાઉન્ડ હેન્ડલિંગ, કાર્ગો મેનેજમેન્ટ, એરલાઈન્સ ઑપરેશન સંબંધિત કામો સામેલ છે, જે હાઇસિક્યુરિટી માનવામાં આવે છે. 

    તાજેતરમાં પહલગામના ઇસ્લામી આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદીઓ અડ્ડા પર સ્ટ્રાઈક કર્યા બાદ પાકિસ્તાને પશ્ચિમ મોરચે ભારતીય શહેરો પર જે ડ્રોન મોકલ્યાં હતાં, તે તૂર્કી તરફથી તેને મળ્યાં હતાં. ઉપરાંત તેના ઑપરેશન માટે પાયલોટ પણ મોકલવામાં આવ્યા હતા. તૂર્કીએ આ સંઘર્ષમાં પાકિસ્તાનનું સમર્થન કરતાં ભારતમાં પણ આ ઇસ્લામી દેશ પર પ્રશ્નો ઉઠવા માંડ્યા અને તેનો બહિષ્કાર પણ શરૂ થઈ ગયો છે.