Wednesday, June 25, 2025
More

    ભારત વિરુદ્ધ પાકિસ્તાનને મદદ કરનાર તુર્કી સાથે JNUને રદ્દ કર્યા કરાર: કહ્યું- સુરક્ષાના કારણોસર લેવાયો નિર્ણય

    જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીએ (JNU) રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર તુર્કીની ઇનોનુ યુનિવર્સિટી (Inonu University, Turkey) સાથેનો કરાર તોડી નાખ્યો છે. આ કરાર એક શૈક્ષણિક બાબતમાં કરવામાં આવ્યો હતો. હવે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીએ મંગળવારે (13 મે, 2025) આ નિર્ણયની પુષ્ટિ કરી હતી.

    આ એમઓયુ પર 3 ફેબ્રુઆરી, 2025ના રોજ ત્રણ વર્ષના સમયગાળા માટે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આમાં, વિદ્યાર્થીઓ અને વિવિધ અભ્યાસક્રમો વચ્ચે સંકલન માટે એક યોજના બનાવવામાં આવી હતી. ઇનોનુ યુનિવર્સિટી તુર્કીના માલત્યામાં સ્થિત છે અને આ કરારનો ઉદ્દેશ્ય JNU સાથે આંતર-સાંસ્કૃતિક સંશોધન અને શૈક્ષણિક સહયોગને પ્રોત્સાહન આપવાનો હતો.

    ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવના સમયે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંઘર્ષ દરમિયાન, તુર્કીએ ખુલ્લેઆમ પાકિસ્તાનને ટેકો આપ્યો અને તેના દ્વારા ઉત્પાદિત શસ્ત્રોનો ઉપયોગ પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધ કરવામાં આવ્યો હતો.

    હવે ભારતમાં તુર્કી સામે ગુસ્સો વધી રહ્યો છે. આના કારણે તુર્કીના માલ અને પર્યટનનો બહિષ્કાર કરવાની હાકલ કરવામાં આવી છે. EaseMyTrip અને ixigo જેવા ઓનલાઈન ટ્રાવેલ પ્લેટફોર્મે ત્યાં મુસાફરી ન કરવાની સલાહ આપી છે.