26/11ના મુંબઈ હુમલા વખતે પોતાના જીવનનું બલિદાન આપીને હિંદુ ઓળખ સાથે આવેલા ઇસ્લામી આતંકી અઝમલ કસાબને જીવતો પકડનારા વીર બલિદાની પોલીસકર્મી તુકારામ ઓંબલેના સન્માનમાં મહારાષ્ટ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે તેમના સન્માનમાં મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં મોજે કેડંબે ગામમાં એક ભવ્ય સ્મારક બનાવવાનો નિર્ણય લીધો છે.
મહારાષ્ટ્રની ભાજપ સરકારે આ કાર્ય માટે ₹13.46 કરોડની રકમ પણ મંજૂર કરી દીધી છે. મહારાષ્ટ્ર સરકારે આ પરિયોજના માટેની પહેલી ₹2.7 કરોડની રકમ સ્થાનિક પ્રશાસનને આપી દીધી છે. જેથી હવે ટૂંક સમયમાં જ સ્મારક નિર્માણનું કાર્ય શરૂ કરી દેવામાં આવશે.
નોંધનીય છે કે, મુંબઈ હુમલા વખતે આતંકી કસાબ હિંદુ ઓળખ સાથે આવ્યો હતો, તેણે હાથમાં પણ રક્ષાસૂત્ર બાંધ્યું હતું. જેથી તેના મોત બાદ ‘હિંદુ આતંકવાદ’ના મિથકને આગળ વધારી શકાય. પરંતુ, મુંબઈ પોલીસના વીર જવાન તુકારામ ઓંબલેએ કસાબને જીવતો પકડ્યો હતો, જે દરમિયાન કસાબે અનેક ગોળીઓ પણ ધરબી હતી અને કસાબની કસ્ટડી અન્ય પોલીસકર્મીઓને આપ્યા બાદ તુકારામે દેહ છોડી દીધો હતો.
તેમની બહાદુરીના કારણે તેમને મરણોપરાંત અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 26 નવેમ્બર, 2008ની રાત્રે મુંબઈ પર થયેલા આતંકી હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા, જ્યારે અનેકો ઘાયલ પણ થયા હતા. આતંકીઓમાંથી માત્ર એક અઝમલ કસાબ જ જીવતો પકડાયો હતો, જેના કારણે આ હુમલો પાકિસ્તાનના ઇશારે ઇસ્લામી આતંકીઓએ કર્યો હોવાનો ખુલાસો થયો હતો.