Friday, March 7, 2025
More

    તુઘલક લેન નહીં, સ્વામી વિવેકાનંદ માર્ગ: દિલ્હીના ભાજપા સાંસદોએ બદલી પોતાના નિવાસસ્થાનો આગળથી નેમ-પ્લેટ, નામ બદલવાની માંગે ફરી પકડ્યું જોર

    દિલ્હીમાં (Delhi) નામ બદલવાની રાજનીતિ ફરી એકવાર ગરમાઈ ગઈ છે. ભાજપના રાજ્યસભા સાંસદ ડૉ. દિનેશ શર્મા (BJP MP Dr. Dinesh Sharma) અને સહકાર રાજ્યમંત્રી કૃષ્ણ પાલ ગુર્જરે તુઘલક લેન (Tughlak Lane) સ્થિત તેમના ઘરની નેમપ્લેટ પર ‘સ્વામી વિવેકાનંદ માર્ગ’ (Swami Vivekananda Marg) લખ્યું છે, જેના કારણે રાજકીય હલચલ મચી ગઈ છે. જોકે, હજુ સુધી રસ્તાનું નામ સત્તાવાર રીતે બદલવામાં આવ્યું નથી.

    સાંસદ દિનેશ શર્માએ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું છે, “મેં, મારા પરિવાર સાથે, નવી દિલ્હીમાં 6-સ્વામી વિવેકાનંદ માર્ગ (તુઘલક લેન) ખાતે મારા નવા નિવાસસ્થાનનો ગૃહપ્રવેશ સમારોહ, વિધિ મુજબ પૂજા અને આરતી કરીને કર્યો.” તેમણે આ પોસ્ટ સાથે ગૃહપ્રવેશ સમારોહના ઘણા ફોટા પણ શેર કર્યા છે. આ ફોટામાં, તેમના નિવાસસ્થાનની બહાર નેમ પ્લેટ પર ‘સ્વામી વિવેકાનંદ માર્ગ’ લખેલું જોવા મળે છે. જે બાદ આ મુદ્દો ચર્ચામાં આવ્યો.

    આ બાબતે ભાજપના સાંસદ દિનેશ શર્માએ કહ્યું, “મને પૂછવામાં આવ્યું હતું કે મને કેવા પ્રકારની નેમ પ્લેટ જોઈએ છે. મેં તેમને કહ્યું કે જે રીતે નજીકમાં લગાવવામાં આવે છે તે જ રીતે મૂકો. તેમણે મને કહ્યું કે વિવેકાનંદ માર્ગની સાથે, તુઘલક લેન પણ નેમપ્લેટ પર લખેલું છે. ગુગલ પર સર્ચ કરશો તો વિવેકાનંદ માર્ગ સામે આવશે. તેમણે કહ્યું કે હું 11 વર્ષથી મેયર છું. હું જાણું છું કે નામ બદલવું એ શહેર અને રાજ્ય સરકારનું કામ છે. કોઈ પણ સાંસદ નામ બદલી શકે નહીં. જો કોઈ નામ બદલવાનો પ્રસ્તાવ મૂકે તો તે આવકાર્ય છે.”