Saturday, March 15, 2025
More

    ‘શનિવારે 12 વાગ્યા સુધી તમામ બંધકોને મુક્ત કરો નહીં તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો’: ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર હમાસને આપી ચેતવણી

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donlad Trump) ફરી એકવાર હમાસને (Hamas) ચેતવણી આપી દીધી છે. તેમણે કહ્યું હતું કે જો ગાઝામાં (Gaza Hostages) બંધક બનાવેલા તમામ ઇઝરાયલી નાગરિકોને શનિવાર 15 ફેબ્રુઆરી બપોરે 12 વાગ્યા સુધીમાં મુક્ત કરવામાં નહીં આવે, તો તેઓ ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો યુદ્ધવિરામને રદ્દ કરી દેશે. વધુમાં તેઓએ કહ્યું છે કે તેઓ હમાસના ઠેકાણાઓને ‘નરક’ બનાવી દેશે.

    નોંધનીય છે કે ટ્રમ્પે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, યુદ્ધવિરામ કરારના ઉલ્લંઘનને કારણે બંધકોની મુક્તિ અનિશ્ચિત સમય માટે વિલંબિત થઈ રહી છે. આ નિવેદન બાદ ઇઝરાયલી સંરક્ષણ મંત્રીએ પણ સેનાને ગાઝામાં ‘કોઈપણ પરિસ્થિતિ’ માટે તૈયાર રહેવા સૂચના આપી છે.

    ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે જો જોર્ડન અને ઇજિપ્ત ગાઝાથી પેલેસ્ટિનિયન શરણાર્થીઓને સ્વીકારવા સંમત ન થાય તો USથી તેમને જે સહાય આપવામાં આવે છે તે બંધ કરી શકે છે. નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આ પહેલાં જ હમાસને ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવા માટેની ચેતવણી આપી ચૂક્યા છે.

    બીજીતરફ હમાસના એક વરિષ્ઠ નેતા સામી અબુ ઝુહરીએ મંગળવારે જણાવ્યું હતું કે, “ટ્રમ્પે યાદ રાખવું જોઈએ કે આ એક કરાર છે જેનો બંને પક્ષોએ આદર કરવો જોઈએ અને કેદીઓને પરત કરવાનો આ એકમાત્ર રસ્તો છે. ધમકીઓની ભાષાનું કોઈ મૂલ્ય નથી અને તે ફક્ત મામલાને જટિલ બનાવે છે.”