અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક ઘોષણા કરતાં કહ્યું છે કે જો એપલ પોતાનાં ઉત્પાદનો બહાર બનાવશે તો ટેરિફનો સામનો કરવો પડશે. પોસ્ટમાં તેમણે ભારતનો પણ ઉલ્લેખ કર્યો છે.
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર એક પોસ્ટ કરીને કહ્યું કે, “મેં બહુ સમય પહેલાં એપલના (CEO) ટીમ કૂકને જણાવી દીધું હતું કે અમેરિકામાં જે આઇફોન વેચાય છે તેનું નિર્માણ અમેરિકામાં જ કરવામાં આવે, ભારત કે બીજા કોઈ દેશમાં નહીં. જો તેવું નહી થાય તો એપલે અમેરિકાને 25% ટેરિફ ચૂકવવું પડશે. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર.”

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ ટ્રમ્પે ટીમ કૂકને ચેતવણી આપતાં ભારતમાં એપલનો વેપાર વિસ્તારવાની ના પાડી હતી. તેમણે કતારમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, “મેં ટીમ કૂકને કહ્યું કે તેઓ ભારતમાં મેન્યુફેક્ચરર કરે તેમાં અમને રસ નથી. તેઓ (ભારતીયો) તેમનું પોતાની રીતે જોઈ લેશે.” તેમણે એમ પણ કહ્યું હતું કે એપલ પોતાનું પ્રોડક્શન યુએસમાં વધારશે.
નોંધવું જોઈએ કે એપલ પોતાનાં ઉત્પાદનોના ભાગો અમેરિકાના કેલિફોર્નિયામાં બનાવે છે. અહીંથી ચીન, વિયેતનામ, ભારત વગેરે દેશોમાં મોકલવામાં આવે છે, જ્યાં તેને એસેમ્બલ કરવામાં આવે છે. ત્યાંથી દુનિયાભરમાં સપ્લાય કરવામાં આવે છે. યુએસ અને યુરોપિયન દેશોમાં વેચાતા ઘણા આઇફોન ભારતમાં પણ અસેમ્બલ થાય છે.