Monday, April 14, 2025
More

    ‘મોદી બહુ સ્માર્ટ માણસ છે, મારા ઘનિષ્ઠ મિત્ર’: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- ભારત સાથે ટેરિફ પર થતી વાતચીત ફળદાયી રહેશે

    ભારત અને અમેરિકા વચ્ચે ચાલતી ટેરિફ અને વ્યાપારની વાતચીત વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે (28 માર્ચ) એક નિવેદનમાં વડાપ્રધાન મોદીની ભરપૂર પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, મોદી બુદ્ધિમાન માણસ છે અને તેમના ઘનિષ્ઠ મિત્ર પણ છે. બંને દેશો વચ્ચે વાતચીત ફળદાયી રહેશે. 

    વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું, “વડાપ્રધાન મોદી હમણાં જ અહીં આવ્યા હતા અને અમે હંમેશા બહુ સારા મિત્રો રહ્યા છીએ. ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ લગાવનારો દેશ છે. પણ તેઓ સ્માર્ટ પણ ઘણા છે.”

    ટ્રમ્પે આગળ કહ્યું, “પીએમ મોદી બહુ બુદ્ધિમાન વ્યક્તિ છે અને મારા ઘણા સારા મિત્ર પણ છે. અમારી વાતચીત ઘણી સરસ રહી હતી. મને લાગે છે કે આપણા દેશ અને ભારત વચ્ચેની વાતચીતમાં બધું સારું જ થશે.”

    તેમણે આગળ કહ્યું, “હું કહીશ કે તમારી પાસે (ભારતીયો) મહાન વડાપ્રધાન છે.”

    ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનામાં પીએમ મોદી અમેરિકાની યાત્રાએ ગયા હતા, જ્યાં બંને રાષ્ટ્રાધ્યક્ષોની મુલાકાત થઈ હતી અને દ્વિપક્ષીય બેઠકમાં અનેક મુદ્દે વાતચીત થઈ હતી. તે સમયે પણ ટ્રમ્પે પીએમ મોદીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તેઓ બહુ ‘ટફ નેગોશિએટર’ છે.