Monday, March 24, 2025
More

    ‘ભારત અને પીએમ પ્રત્યે મને અનેકગણું માન, પણ મતદાન વધારવાના નામે 21 મિલિયન ડૉલર કેમ?’: USની એજન્સીઓ દ્વારા ભારતમાં થતા ફન્ડિંગ પર ટ્રમ્પે ઉઠાવ્યા સવાલ

    તાજેતરમાં જ અમેરિકાના ટ્રમ્પ પ્રશાસન હેઠળ નવા સ્થપાયેલા વિભાગ DOGEએ ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં અમેરિકન સરકાર અને એજન્સીઓ દ્વારા ‘સહાય’ના નામે જે ફન્ડિંગ આપવામાં આવી રહ્યું હતું તેને અટકાવી દીધું હતું. જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. અહીં ‘મતદાન વધારવાના નામે’ 21 મિલિયન ડૉલર ખર્ચવામાં આવી રહ્યા હતા. 

    હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, તેમને ભારત પ્રત્યે બહુ માન છે અને વડાપ્રધાન મોદી પણ તેમના મિત્ર છે. પરંતુ જે દેશ પહેલેથી આટલો પૈસાદાર હોય, જેની પાસે સંસાધનો હોય તેને અમેરિકાએ મદદ કરવાની કોઈ જરૂર નથી. 

    ટ્રમ્પે કહ્યું, “આપણે ભારતને 21 મિલિયન યુએસ ડૉલર શું કામ આપતા હતા? તેમની પાસે ઘણા રૂપિયા છે. તેઓ દુનિયાના એવા દેશો પૈકી છે, જેમાં ટેક્સ સૌથી વધુ છે. મને ભારત અને વડાપ્રધાન પ્રત્યે બહુ માન છે, પરંતુ મતદાન વધારવા માટે 21 મિલિયન ડૉલર?”

    ઉલ્લેખનીય છે કે આ પૈસા સરકારને નહીં પણ એવાં NGO અને અમુક સંગઠનો-સંસ્થાનોને મોકલવામાં આવી રહ્યા હતા, જેમના થકી ભારતના રાજકારણમાં આંતરિક હસ્તક્ષેપ કરી શકાય. તાજેતરમાં જ ટ્રમ્પ સરકારે USAID નામની એક એજન્સીને પણ તાળાં લગાવી દીધાં, જે આવાં કારસ્તાનો કરવા માટે કુખ્યાત છે.