Tuesday, March 18, 2025
More

    પૂર્વ રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડીની હત્યા સંબંધિત ફાઈલો સાર્વજનિક કરવાનો ટ્રમ્પનો આદેશ, અડધી સદી બાદ રહસ્ય પરથી ઊંચકાશે પડદો

    1963માં થયેલી તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ જ્હોન એફ. કેનેડી (John F. Kennedy), તેમના ભાઈ રોબર્ટ એફ. કેનેડી (Robert F. Kennedy) અને માનવાધિકાર કાર્યકર્તા માર્ટીન લૂથર કિંગ જુનિયરની (Martin Luther King Jr.) હત્યાના રહસ્ય પરથી પડદો ઉઠવા જઈ રહ્યો છે. વાસ્તવમાં પોતાના દ્વિતીય કાર્યકાળ સંભાળતાંની સાથે જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (President Trump) પોતે આપેલું વચન પૂર્ણ કર્યું છે અને આ ત્રણેય હાઈપ્રોફાઈલ મર્ડર કેસના ડોકયુમેન્ટ જાહેર કરવાના કાર્યકારી આદેશો પર હસ્તાક્ષર કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આવનારા સમયમાં આ હત્યાઓને લઈને હજારો દસ્તાવેજો ડિક્લાસિફાય કરવામાં આવશે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રમ્પે આ આદેશ પર હસ્તાક્ષર કરીને સહી કરેલી પેન પોતાના એક સહયોગીને આપતાં કહ્યું કે, “આ પેન રોબર્ટ એફ. કેનેડી જુનિયરને આપી દો.” વાસ્તવમાં કેનેડી જુનિયર વર્તમાન ટ્રમ્પ પ્રશાસનમાં સ્વાસ્થ્ય મંત્રીના પદ પર છે. આ નિર્ણય બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે, “હવે વાસ્તવિકતા પરથી પડદો ઊંચકાશે.”

    આ મામલે વ્હાઈટ હાઉસમાંથી કરવામાં આવેલી સત્તાવાર જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે, “6 દાયકાઓથી ગુપ્ત રહ્યા બાદ હવે સમય આવી ગયો છે કે અમેરિકાના નાગરિકોની સામે વાસ્તવિકતા જાહેર થાય. આ કાર્યકારી આદેશ એ દર્શાવે છે કે આટલાં વર્ષો બાદ પીડિતોના પરિવારો અને અમેરિકાના લોકો સત્ય જાણવાના હકદાર છે.”

    ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચૂંટણી દરમિયાન કરેલી ઘોષણાઓમાં એક વાયદો તે પણ હતો કે, કેનેડી બ્રધર્સની હત્યા પરથી તેઓ પડદો ઊંચકશે. ત્યારે આ કાર્યકારી આદેશ જાહેર કર્યા બાદ હવે વાસ્તવિકતા અમેરિકા અને આખા વિશ્વ સામે આવશે. આ માટે રાષ્ટ્રપતિ કાર્યાલય પરથી પ્રશાસનને 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

    કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટના સાથે અંદાજે 50 હજારથી વધુ પાનાંના દસ્તાવેજો સંકળાયેલા છે. આ તમામ રેકોર્ડ જાહેર કરવા માટે 15 દિવસમાં સમીક્ષા કરીને તેને જાહે કરવાની યોજના પ્રેસિડેન્ટને આપવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. આગામી સમયમાં આ તમામ દસ્તાવેજો જાહેર કરી દેવામાં આવશે.