Wednesday, December 4, 2024
More

    ‘TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં દૈનિક ધોરણે થાય સુનાવણી’: ગુજરાત સરકારની કોર્ટ સમક્ષ રજૂઆત

    રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે (TRP Gamezone Fire Case) એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, ગુજરાત સરકારે (Gujarat Government) કોર્ટ (Court) સમક્ષ ઝડપી સુનાવણી માટેની અપીલ કરી છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટ સમક્ષની અરજીમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તુષાર ગોકાણીએ જણાવ્યું હતું કે, 24 જુલાઈએ ચાર્જશીટ દાખલ થયા બાદ કેસને ઓગસ્ટમાં સુનાવણી માટે સોંપી દેવામાં આવ્યો હતો.

    ગોકાણીએ અરજીમાં કહ્યું છે કે, “તે રેકોર્ડમાં છે કે, કેટલાક આરોપી વ્યક્તિઓ લગભગ ત્રણ મહિનાથી વકીલોની સેવા લેવા માટે સમય માંગી રહ્યા છે અને તેના કારણે કેસ આગળ વધી રહ્યો નથી.” રાજ્ય સરકારે આ કેસ મામલે ઝડપી સુનાવણી માટેની અપીલ કરી છે.

    નોંધવા જેવું છે કે, 25 મેના રોજ રાજકોટના TRP ગેમઝોનમાં આગ લાગી ગઈ હતી. જેમાં બાળકો સહિત 27 લોકોના મોત થયા હતા. ઘટના બાદ તાબડતોડ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ઘણા આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. હાલ આ મામલે કોર્ટમાં સુનાવણી પણ ચાલી રહી છે.