તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક પોલીસકર્મી એક બાળકને થપ્પડ મારતો દેખાઈ રહ્યો છે. આ ઘટના 6 માર્ચની હોવાની કહેવાઈ રહી છે. 7 માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સુરત (Surat) આવવાના છે. ત્યારે 6 માર્ચની સાંજે PMના કોન્વોયના રૂટ પર પોલીસ રિહર્સલ (Police Rehearsal) કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન લિંબાયત રેલવે અંડરપાસના રતન ચોક પાસેના વિસ્તારમાં એક બાળક સાયકલ લઈને રિહર્સલ દરમિયાન વચ્ચે ઘૂસી ગયો હતો. વાયરલ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે તે તેની સાયકલ પર આંટા મારી રહ્યો છે. ત્યારપછી તેને પકડીને પોલીસ અધિકારીએ થપ્પડ માર્યા હતા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તથા અધિકારી વિરુદ્ધ કાર્યવાહીની માંગ થઈ રહી છે. જોકે, અધિકારી વિરુદ્ધ કાર્યવાહી થઈ ચૂકી છે.
આ અંગે ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે વિડીયોમાં દેખાઈ રહેલ PSI મોરબી જિલ્લામાં ફરજ બજાવે છે. તેમનું નામ બી. એ. ગઢવી છે અને સુરત શહેર ખાતે બંદોબસ્ત માટે આવેલા હતા. DCPએ PSIનું વર્તન બિલકુલ અયોગ્ય ગણાવ્યું હતું તથા વર્તન બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યા અનુસાર PSI બી. એ. ગઢવીનું ટ્રાન્સફર તાત્કાલિક અસરથી કંટ્રોલરૂમ ખાતે કરવામાં આવ્યું છે.