Friday, March 14, 2025
More

    UPમાં ફરી ટ્રેન ઉથલાવવાનું કાવતરું, રેલવે ટ્રેક પર મૂકવામાં આવ્યો લાકડાનો ટુકડો: લોકો પાયલટની સતકર્તાથી ટળ્યો અકસ્માત, તપાસ શરૂ

    ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) લખનૌમાં ફરી એક વખત ટ્રેન (Train) અકસ્માત થતાં-થતાં રહી ગયો. અહીં મલીહાબાદ રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેક પર મોટો લાકડાનો ટુકડો મૂકી દેવામાં આવ્યો હતો. જોકે, લોકો પાયલટની સતર્કતાથી અકસ્માત ટળી ગયો હતો. 

    આ ઘટના બરેલી-વારાણસી એક્સપ્રેસ સાથે બની. ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે મલીહાબાદ સ્ટેશન નજીક લોકો પાયલટને ટ્રેક પર કોઈ મોટી વસ્તુ મૂકેલી દેખાઈ હતી. ત્યારબાદ ઇમરજન્સી બ્રેક લગાવીને ટ્રેન થોભાવી દેવામાં આવી. નજીક જઈને જોતાં લાકડાનો ટુકડો મળી આવ્યો હતો. જેનું વજન 6 કિલોથી વધુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

    ત્યારબાદ તરત રેલવે અધિકારીઓ અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી, જેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ તેમની મદદથી લોકો પાયલટે લાકડાનો ટુકડો મહામહેનતે દૂર કર્યો હતો. જેના કારણે બે કલાક સુધી ટ્રેન ટ્રાફિક પણ ખોરવાયો હતો. 

    અકસ્માતના કારણે ટ્રેક પર મૂકવામાં આવેલાં સિગ્નલિંગ ડિવાઇસને પણ નુકસાન પહોંચ્યું હતું. આ સમગ્ર મામલે એક FIR પણ દાખલ કરવામાં આવી છે. 

    નોંધવું જોઈએ કે નજીકના ભૂતકાળમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે અને અમુક કિસ્સાઓમાં ટ્રેનના ડબ્બા ઉતરી ગયાની ઘટનાઓ પણ બની છે. આ મામલે NIA તપાસ કરી રહી છે.