ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને લઈને હવે સામાન્ય માણસો પણ દેશહિતમાં નિર્ણય લેતા થઈ ગયા છે. તૂર્કીએ પાકિસ્તાનને કરેલા ખુલ્લા સમર્થન બાદ હવે દેશમાં તૂર્કીના બહિષ્કારનું અભિયાન ચાલુ થઈ ગયું છે. રાજસ્થાનથી લઈને મહારાષ્ટ્ર સુધીના લોકોએ તૂર્કીને આર્થિક મોરચે જવાબ આપવાનું નક્કી કર્યું છે.
જાણવા મળી રહ્યું છે કે, મહારાષ્ટ્રના પુણેમાં વેપારીઓએ તૂર્કીથી આયાત થતાં સફરજનનું વેચાણ બંધ કરી દીધું છે. સ્થાનિક બજારોમાંથી પણ તૂર્કીશ સફરજન ગાયબ થઈ ગયા છે. આ સાથે જ ગ્રાહકોએ પણ તેનો બહિષ્કાર કરી દીધો છે. માત્ર પુણેની બજારમાં જ તૂર્કીશ સફરજનોની ભાગીદારી લગભગ ₹1,000 થી ₹1,200 કરોડની છે. જોકે, હવે તે બંધ થઈ ગયું છે.
તે સિવાય એશિયાના સૌથી મોટા માર્બલ વેપાર સેન્ટર તરીકે જાણીતા ઉદયપુરમાં પણ વેપારીઓએ તૂર્કીનો બહિષ્કાર કરી દીધો છે. ભારતમાં આયાત થતાં કુલ માર્બલનો લગભગ 70% તૂર્કીથી આવે છે, પરંતુ હવે તે પણ બંધ થવાની અણીએ છે. ઉદયપુર માર્બલ પ્રોસેસર્સ કમિટીના અધ્યક્ષ કપિલ સુરાનાએ કહ્યું છે કે, “ભારત સરકાર એકલી નથી, દેશની બધી ઇન્ડસ્ટ્રી અને સામાન્ય જનતા પણ તેની સાથે.”