Monday, April 14, 2025
More

    ડૉ. આંબેડકર જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ મૂર્મુ, PM નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ

    આજે 14 એપ્રિલના રોજ ભારતભરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની
    (ambedkar jayanti) ઉજવણી થઈ રહી છે. ત્યારે આ દિવસ નિમિત્તે દેશના વરિષ્ઠ નેતાઓ પણ તેમની જન્મજયંતિ નિમિત્તે નમન કરી રહ્યા છે. દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મૂર્મુએ (Droupadi Murmu) પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

    તેમણે લખ્યું હતું કે, “ભારતીય બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ભીમરાવ રામજી આંબેડકરની જન્મજયંતિ પર હું તમામ દેશવાસીઓને હૃદયપૂર્વક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું.”

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) પણ X પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, “ભારત રત્ન પૂજ્ય બાબાસાહેબને તેમની જન્મજયંતિ પર તમામ દેશવાસીઓ વતી કરોડો વંદન. તેમની પ્રેરણાને કારણે જ આજે દેશ સામાજિક ન્યાયના સ્વપ્નને સાકાર કરવામાં સમર્પિત ભાવે કાર્ય કરી રહ્યો છે. તેમના સિદ્ધાંતો અને આદર્શો આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણને શક્તિ અને ગતિ આપનારા છે.”

    દેશના ગૃહમંત્રી અમિત શાહે (HM Amit Shah) પણ બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે પોસ્ટ કરતા લખ્યું હતું કે, “શિક્ષણ, સમાનતા અને ન્યાયના બળ પર સામાજિક ક્રાંતિનો પાયો નાખનારા બાબાસાહેબ ભીમરાવ આંબેડકર જીવનભર વંચિતોના અધિકારો માટે પ્રતિબદ્ધ રહ્યા. સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વના સિદ્ધાંતો પર આધારિત બંધારણનો મુસદ્દો ઘડીને, તેમણે ભારતના મહાન લોકશાહી વારસાને મજબૂત પાયો પૂરો પાડ્યો.”

    તેમણે આગળ લખ્યું હતું કે, “ન્યાયી અને સમાનતાવાદી સમાજના નિર્માણ માટેના બાબાસાહેબના વિચારો આજે પણ આપણા બધાને પ્રેરણા આપે છે. બંધારણના મહાન ઘડવૈયા અને લાખો દેશવાસીઓ માટે સ્વાભિમાનના પ્રતીક બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને તેમની જન્મજયંતિ પર હું હૃદયપૂર્વક કોટિ-કોટિ નમન કરું છું.”

    ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) પોસ્ટ કરતા લખ્યું હતું કે, “સર્વસમાવેશક, સર્વહિતગ્રાહી, ઉત્કૃષ્ટ લોકશાહી મૂલ્યોથી રંગાયેલા અને એક ભારત-શ્રેષ્ઠ ભારતની ભાવનાને સમૃદ્ધ બનાવનારા ભારતીય બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને તેમની જન્મજયંતિ પર કોટિ-કોટિ નમન!”

    આ ઉપરાંત વિશ્વ હિંદુ પરિષદે (VHP) પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી હતી. VHPએ લખ્યું હતું કે, “સશક્ત લોકશાહીના નિર્માણ માટે ભારતીય બંધારણનું નિર્માણ કરનારા અને દેશમાં સમાન અધિકારો અને સામાજિક ન્યાય માટે પોતાનું જીવન સમર્પિત કરનાર ‘ભારત રત્ન’ બાબાસાહેબ ડૉ. ભીમરાવ રામજી આંબેડકરને તેમની જન્મજયંતિ પર કોટિશ: નમન.”