Saturday, June 14, 2025
More

    ’50 જગ્યાઓએ 10-10 હજાર લોકો આવશે… જામ કરશે… મમરા ખાશે…’: TMC મંત્રી સિદ્દીકુલ્લાહ ચૌધરીએ વક્ફ એક્ટના વિરોધમાં કોલકાતા બંધ કરવાની ધમકી આપી

    પશ્ચિમ બંગાળમાં (West Bengal) વક્ફ સુધારા કાયદા (Waqf Amendment Law) વિરુદ્ધ તૃણમૂલ કોંગ્રેસ અને મુસ્લિમ સંગઠનો મોટા પાયે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા અને મંત્રી સિદ્દીકુલ્લાહ ચૌધરીએ (Siddiqullah Chowdhury) 10 એપ્રિલે કોલકાતાના રામલીલા મેદાનમાં જમિયત-એ-ઉલેમા હિંદની પશ્ચિમ બંગાળ શાખા દ્વારા આયોજિત એક વિશાળ રેલીને સંબોધિત કરી હતી.

    આ સુધારાને તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરતા મંત્રીએ કોલકાતામાં મોટા પાયે ટ્રાફિક જામ કરવાની ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે, “જો તેઓ કોલકાતામાં જામ કરવા માંગતા હોય તો આપણે કોલકાતામાં 50 સ્થળોએ 2000 લોકોના જૂથને ટ્રાફિક રોકવા માટે સરળતાથી ભેગા કરી શકીએ છીએ.”

    ચૌધરીએ આગળ કહ્યું, “અમે હજુ સુધી આ કર્યું નથી, પરંતુ તે પછીથી થશે. જિલ્લાઓ પછી, અમે કોલકાતા પર અમારી પકડ મજબૂત કરીશું. કોલકાતામાં 50 સ્થળો હશે જેમાં પ્રત્યેકમાં 10,000 લોકો હાજર રહેશે. તેઓ આવશે, બેસીને મમરા, ગોળ અને મીઠાઈ ખાશે, તેમને બીજું કંઈ કરવાની જરૂર રહેશે નહીં.”

    પશ્ચિમ બંગાળ ભાજપે તેમની આ ટિપ્પણી પોસ્ટ કરી હતી. પૂર્વ વર્ધમાનના મંગલકોટ મતવિસ્તારના ધારાસભ્યએ RSS અને ભાજપ પર મુસ્લિમ સમુદાયને નિશાન બનાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં TMC સરકાર હેઠળ મુસ્લિમો સુરક્ષિત અનુભવે છે.

    પોતાના ભાષણમાં, સિદ્દીકુલ્લાહ ચૌધરીએ વધુમાં કહ્યું કે તેમને મુખ્યમંત્રીનો ફોન આવ્યો હતો જેમાં તેમણે ખાતરી આપી હતી કે પશ્ચિમ બંગાળમાં વક્ફ (સુધારો) કાયદો લાગુ કરવામાં આવશે નહીં. જ્યાં સુધી સરકાર આ કાયદો પરત ન ખેંચે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા અને હિંસા ન કરવા કહ્યું હતું.

    તેમણે કહ્યું હતું કે આ કાયદા વિરુદ્ધ એક કરોડ લોકોના હસ્તાક્ષરવાળો પત્ર પીએમ નરેન્દ્ર મોદીને મોકલવામાં આવશે. રાજ્યના પુસ્તકાલય મંત્રી હોવા ઉપરાંત, સિદ્દીકુલ્લાહ જમિયત ઉલેમા-એ-હિંદના રાજ્ય અધ્યક્ષ પણ છે.