તાજેતરમાં પશ્ચિમ બંગાળના (West Bengal) દાર્જિલિંગમાંથી પોલીસ અને સેનાએ એક સંયુક્ત ઑપરેશનમાં એક શખ્સની ધરપકડ કરી. તેની પાસેથી ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (DRDO)ને લગતા અમુક સંવેદનશીલ ડોક્યુમેન્ટ મળી આવ્યાં છે, એટલું જ નહીં રેડિયોએક્ટિવ પદાર્થો પણ મળ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે.
જણાવવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિ એક TMCની મહિલા નેતા અને નક્સલબાડી પંચાયત સમિતિની સભ્ય અમૃતા એક્કાનો પતિ ફ્રાન્સિસ એક્કા છે. તેની પાસેથી પોલીસે રેડિયોએક્ટિવ પદાર્થ કેલિફોર્નિયમ જપ્ત કર્યું છે. જેના એક ગ્રામની કિંમત કરોડોમાં હોય છે.
વધુ વિગતો અનુસાર, તેના નેપાળમાં પણ અમુક સંપર્કો છે અને તાજેતરમાં તેની જીવનશૈલીમાં પણ ભારે ફેરફારો આવ્યા હતા. હાલ પોલીસ અને સેના તેને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી છે અને એ જાણવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે તે કોઈ મોટા ષડ્યંત્રને અંજામ આપવા જઈ રહ્યો હતો કે કેમ.
બીજી તરફ, ભાજપે આ મામલે પશ્ચિમ બંગાળ સરકાર અને મમતા બેનર્જીની પાર્ટી TMC પર સવાલ ઉઠાવ્યા છે. BJPએ પૂછ્યું કે, આ બાબતની સ્થાનિક પ્રશાસનને જાણ કેમ ન થઈ, કે પછી અન્યોની પણ સંડોવણી છે?