Monday, April 14, 2025
More

    કુણાલ કામરા મદ્રાસ હાઇકોર્ટમાંથી જામીન તો લઈ આવ્યો, પણ બીજા દિવસે મહારાષ્ટ્રમાં નોંધાઈ ગઈ વધુ ત્રણ FIR!–ફરી વધી ‘કૉમેડિયન’ની મુશ્કેલીઓ

    મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને શિવસેનાના અધ્યક્ષ એકનાથ શિંદે પર ટિપ્પણી કરીને વિવાદમાં સપડાયેલો ‘કૉમેડિયન’ કુણાલ કામરા તમિલનાડુની મદ્રાસ હાઇકોર્ટમાંથી આગોતરા જામીન તો લઈ આવ્યો, પણ તેની મુશ્કેલીઓ હજુ ઓછી થઈ નથી. તેનું કારણ એ છે કે તેની સામે મહારાષ્ટ્રમાં બીજી ત્રણ FIR નોંધવામાં આવી છે. 

    ત્રણમાંથી એક FIR જલગાંવ શહેરમાં નોંધવામાં આવી છે. જ્યાં ફરિયાદી શહેરના મેયર છે. જ્યારે અન્ય બે ફરિયાદો નાશિકમાં કરવામાં આવી હતી. જ્યાં એક હોટેલ માલિક અને એક ઉદ્યોગપતિએ ફરિયાદ કર્યા બાદ FIR દાખલ થઈ છે. આ ત્રણેય FIR પણ તપાસ માટે ખાર મોકલવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. 

    આ મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે. 

    ઉલ્લેખનીય છે કે વિવાદ બાદ કુણાલ કામરા સામે પ્રથમ FIR ખાર પોલીસ મથકે નોંધવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે પૂછપરછ માટે તેને સમન્સ પાઠવ્યું, પરંતુ કામરા હાજર થયો ન હતો અને તમિલનાડુમાં તેના વતનમાં જઈને બેસી ગયો હતો. બીજી તરફ ધરપકડ અને કાર્યવાહીની બીક લાગવા માંડતા તેણે મદ્રાસ હાઇકોર્ટમાં અરજી કરીને ટ્રાન્ઝિટ એન્ટીસિપેટરી બેલ માંગી હતી. કોર્ટે 28 માર્ચે સુનાવણી હાથ ધરીને 7 એપ્રિલ સુધી તેને જામીન આપ્યા હતા. 

    ખાર પોલીસના કેસમાં તો કામરાને જામીન મળી ગયા છે, પણ હવે તેણે નવા નોંધાયેલા ત્રણ કેસમાં પણ જામીન મેળવવા પડશે, અથવા સુપ્રીમ કોર્ટ જઈને FIR ક્લબ કરવાની કે આગોતરા જામીનની માંગ કરવી પડશે. ત્યાં સુધી તેની ઉપર ફરી ધરપકડની તલવાર લટકતી રહેશે.