મૂળ પંજાબના ત્રણ યુવકો ઈરાનમાં ગાયબ થઈ ગયા હોવાના સમાચારે સરકારને દોડતી કરી છે. અમુક અહેવાલોમાં આ ત્રણ કિડનેપ થઈ ગયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઈરાન સ્થિત ભારતીય દૂતાવાસે મામલો સ્થાનિક એજન્સીઓ સમક્ષ ઉઠાવ્યો છે અને ત્રણેય સુરક્ષિત પરત ફરે તે સુનિશ્ચિત કરવા માટે જણાવ્યું છે.
— India in Iran (@India_in_Iran) May 28, 2025
દૂતાવાસે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, “ત્રણ ભારતીય નાગરિકોના પરિવારે દૂતાવાસને જણાવ્યું છે કે તેમના સ્વજનો ઈરાન આવ્યા બાદ ગુમ થઈ ગયા છે. દૂતાવાસે આ મામલો ઈરાન પ્રશાસન સમક્ષ ઉઠાવ્યો છે અને તેમને વિનંતી કરી છે કે ગુમ થયેલી વ્યક્તિઓને તાત્કાલિક શોધી કાઢવામાં આવે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. જે કોઈ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તે અંગે અમે પરિજનોને વાકેફ કરતા રહીશું.”
એમ્બેસીએ કોઈ વિગતો આપી નથી, પરંતુ અહેવાલો અનુસાર ત્રણેય પંજાબના છે. તમામ 1 મેના રોજ ઈરાનના તહેરાન ગયા હતા અને ત્યાંથી ગાયબ થઈ ગયા.
તમામ કિડનેપ થયા હોવાની આશંકા છે. એક યુવકની માતાએ આરોપ લગાવ્યો કે તમામને ઑસ્ટ્રેલિયા લઈ જવાના વાયદા સાથે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ પછી ઈરાન લઈ જવામાં આવ્યા. ત્યાંથી કિડનેપ કરી લેવામાં આવ્યા. તેમનો એજન્ટ પણ આ કારસ્તાનમાં સામેલ હોવાનો આરોપ છે.