Saturday, January 11, 2025
More

    છત્તીસગઢમાં હવે ‘આજ તક’ના પત્રકારના માતા-પિતા અને ભાઈની હત્યા, કારણ- સંપત્તિનો વિવાદ: 19ની ધરપકડ

    તાજેતરમાં છત્તીસગઢમાં મુકેશ ચંદ્રાકર નામના એક પત્રકારની હત્યાનો મામલો સામે આવ્યો હતો. હવે હિન્દી સમાચાર ચેનલ ‘આજ તક’ના એક પત્રકારના પરિજનોની હત્યા કરી નાખવામાં આવી હોવાની ઘટના બની છે. 

    સૂરજપુર જિલ્લાના એક ગામ શુક્રવારે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો. જેમાં પત્રકાર સંતોષ કુમાર ટોપોના પરિવારની ત્રણ વ્યક્તિઓની કુહાડી વડે હત્યા કરી નાખવામાં આવી. ઘટના બાદ વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ છે. 

    હત્યાનું કારણ સંપત્તિનો વિવાદ હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતકોમાં સંતોષના માતા-પિતા અને ભાઈ સામેલ છે. માતા-પિતા ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમની ઉપર આરોપીઓએ હુમલો કરી દીધો હતો. પોલીસ અનુસાર, સંતોષના પરિજનો અને સંબંધીઓ વચ્ચે સંપત્તિને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. 

    સંતોષની ફરિયાદના આધારે પછીથી પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. તાજા અહેવાલો અનુસાર, આ મામલે 19 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ આગળની તપાસ અને કાર્યવાહી ચાલી રહ્યાં છે.