આમ આદમી પાર્ટીને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ વધુ એક ઝાટકો લાગ્યો છે. શનિવારે (15 ફેબ્રુઆરી) પાર્ટીના ત્રણ કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા. ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ આ ત્રણેય નેતાઓને પાર્ટીમાં આવકાર્યા હતા.
ભાજપમાં સામેલ થનાર કોર્પોરેટરોમાં અનિતા વસોયા, ધર્મવીર અને નિખિલ સામેલ છે. આ સિવાય આમ આદમી પાર્ટીના અન્ય 4 નેતાઓએ પણ ભાજપનો ખેસ પહેર્યો. જેમાં સંદીપ વસોયા પણ સામેલ છે, જેઓ AAPના નવી દિલ્હીના જિલ્લા અધ્યક્ષ રહી ચૂક્યા છે. નવી દિલ્હી કેજરીવાલનો મતવિસ્તાર હતો, જ્યાંથી આ ચૂંટણીમાં તેમને ભાજપના પ્રવેશ વર્મા સામે કારમી હાર મળી.
દિલ્હી નગર નિગમમાં કુલ 250 બેઠકો છે. જેમાંથી AAPના 121 કોર્પોરેટરો હતા. ત્રણ વિધાનસભા ચૂંટણી જીત્યા છે, જેથી આંકડો 118 પર પહોંચ્યો. બીજી તરફ ભાજપના 120 સભ્યો હતા, જેમાંથી 8 વિધાનસભા ચૂંટણી જીત્યા એટલે 112 થયા. જેમાં AAPના 118માંથી ત્રણે પાર્ટી છોડતાં સંખ્યા 115 થઈ ગઈ.
ઉલ્લેખનીય છે કે દિલ્હી MCDના મેયરની ચૂંટણી આ વર્ષે એપ્રિલમાં યોજાનાર છે. જે દર વર્ષે યોજાય છે. ગત વર્ષે જોકે વિલંબ થવાના કારણે ચૂંટણી નવેમ્બરમાં થઈ હતી પણ કાર્યકાળ એપ્રિલ 2025 સુધીનો જ રહેશે. હાલ AAPના મહેશ ખીંચી મેયર છે.