Thursday, March 27, 2025
More

    વધુ એક રાજ્યમાં ટેક્સ ફ્રી થઈ ‘ધ સાબરમતી રિપોર્ટ’: ઉત્તરાખંડ સીએમ પુષ્કર સિંઘ ધામીએ કરી ઘોષણા

    ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મને ઉત્તરાખંડમાં પણ ટેક્સ ફ્રી કરવામાં આવી છે. મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામીએ રવિવારે (24 નવેમ્બર) આ ઘોષણા કરી હતી. 

    ગોધરા હિંદુ હત્યાકાંડ પર બનેલી આ ફિલ્મ આ પહેલાં ગુજરાત, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ વગેરે ભાજપશાસિત રાજ્યોમાં ટેક્સ ફ્રી કરવામાં આવી ચૂકી છે. 

    રવિવારે ઉત્તરાખંડ સીએમ ધામીએ પણ ફિલ્મ નિહાળી હતી, દરમ્યાન ફિલ્મના અભિનેતા વિક્રાંત મેસી ઉપસ્થિત રહ્યા. તેમણે સીએમનો આભાર વ્યક્ત કર્યો હતો. 

    વિક્રાંતે કહ્યું કે, “સાબરમતી રિપોર્ટને ટેક્સ ફ્રી કરવાના નિર્ણય બદલ હું માનનીય મુખ્યમંત્રીજીનો સમગ્ર ટીમ વતી આભાર વ્યક્ત કરું છું.”

    તેમણે આગળ કહ્યું, “દેશના તમામ લોકોએ આ ફિલ્મ જોવી જોઈએ. 22 વર્ષ પહેલાં આ ઘટના બની હતી અને એક આખી પેઢી છે, જેને ઘટના વિશે કશું જ ખબર નથી. તેથી હું સૌને અપીલ કરું છું કે તેઓ ફિલ્મ જુએ, ઘટના વિશે જાણે અને લોકોને પણ તેના વિશે જણાવે.”