Tuesday, June 24, 2025
More

    ગુજરાત બાદ હવે UPમાં પણ ‘ધ સાબરમતી રિપોર્ટ’ થઈ ‘ટેક્સ ફ્રી’: CM યોગીએ જોઈ ફિલ્મ, કહ્યું- ષડયંત્રોનો થયો પર્દાફાશ

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) ગુરુવારે ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ (The Sabarmati Report) જોઈ હતી. જે બાદ આ ફિલ્મને ઉત્તર પ્રદેશ ટેક્સ ફ્રી બનાવવામાં આવી છે.

    ફિલ્મ જોયા બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે ફિલ્મ દ્વારા ઘણા ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ માટે તેમણે ફિલ્મ અભિનેતા વિક્રાંત મેસ્સી (Vikrant Massey) અને તેની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તે ફિલ્મ અભિનેતા અને તેની ટીમને પણ મળ્યા હતા.

    ફિલ્મ જોયા બાદ સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, “હું ‘ધ સાબરમતી રિપોર્ટ’ની આખી ટીમને અભિનંદન આપું છું, જેઓ આ સત્ય પ્રત્યે પોતાની જવાબદારી નિભાવીને, ફિલ્મ દ્વારા દેશના લોકો સમક્ષ વાસ્તવિક સત્ય લાવવાનો પ્રયાસ કરી રહી છે. દરેક ભારતીયે ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ જોવી જોઈએ અને સત્યની નજીક જવાનો પ્રયાસ કરવો જોઈએ.”

    નોંધનીય છે કે આ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગુજરાતમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરી હતી. આશા વ્યક્ત કરાઈ રહી છે કે અન્ય ઘણા રાજ્યોમાં પણ આગળ જતા ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરાશે.