Monday, March 17, 2025
More

    ‘પત્રકાર’ મહેશ લાંગા હવે હાઈકોર્ટના શરણે, GST ફ્રોડ કેસમાં થયેલી ધરપકડને પડકારી 

    GST ફ્રોડ કેસમાં પકડાયા બાદ અમદાવાદના ‘ધ હિન્દુ’ના ‘પત્રકાર’ મહેશ લાંગાએ ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. 

    લાઇવ લૉના રિપોર્ટ અનુસાર, લાંગાએ ધરપકડ અને રિમાન્ડના આદેશને પડકારીને રાહતની માંગ કરી છે. જે મામલે કોર્ટ હવે 14 ઑક્ટોબરના રોજ સુનાવણી હાથ ધરશે. 

    જસ્ટિસ સંદીપ ભટ્ટે કહ્યું કે, “10 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. તો આપણે સોમવારે આ મામલો હાથ પર લઈશું. માહિતી મેળવી લો.” કોર્ટે રાજ્ય સરકારના વકીલને કેસની માહિતી અને સૂચનાઓ મેળવવા માટે આદેશ આપ્યો હતો અને સુનાવણી 14 ઑક્ટોબરના રોજ મુકરર કરી હતી. 

    આ સિવાય કોર્ટે લાંગાના વકીલને પણ કેસને લગતી માહિતી સરકારી વકીલને પૂરી પાડવા માટે જણાવ્યું છે. 

    નોંધનીય છે કે મહેશ લાંગાની ધરપકડ ફર્જી કંપની બનાવીને GST ફ્રોડ કરવા મામલે થઈ છે. GST વિભાગે ઠેરઠેર દરોડા પાડ્યા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી હતી. જેમાંથી એક મહેશ લાંગા છે. 

    તેના ઘરેથી પોલીસને ₹20 લાખ રોકડા, સોનાનાં ઘરેણાં અને જમીનને લગતા દસ્તાવેજો મળી આવ્યા હતા. ધરપકડ બાદ તેના 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા.