Thursday, April 3, 2025
More

    BIMSTECમાં PM મોદીના સ્વાગત માટે થાઇલેન્ડે રામાયણના માનમાં બહાર પાડ્યો વિશેષ સ્ટેમ્પ: 18મી સદીનાં ચિત્રોનો સમાવેશ

    થાઇલેન્ડે (Thailand) 3 એપ્રિલના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) મુલાકાત નિમિત્તે 18મી સદીના રામાયણ (Ramayana) ચિત્રો ધરાવતા એક ખાસ સ્ટેમ્પનું (Stamp) અનાવરણ કર્યું હતું. PM મોદીને થાઈલેન્ડના વડાપ્રધાન પટોંગટાર્ન શિનાવાત્રા તરફથી ભેટ તરીકે ‘ધ વર્લ્ડ ટીપીટકા: સજ્જાયા ફોનેટીક એડિશન’ પણ મળ્યું હતું.

    PM મોદીએ ત્યાં થાઈ રામાયણ ‘રામકિયેન’નું પ્રદર્શન પણ નિહાળ્યું હતું. આ અંગે PM મોદીએ કહ્યું હતું, “આવા સાંસ્કૃતિક જોડાણ અજોડ છે. થાઈ રામાયણ રામકિયેનનું મંત્રમુગ્ધ કરનારું પ્રદર્શન જોયું. તે ખરેખર એક અત્યંત સમૃદ્ધ અનુભવ હતો, જે ભારત અને થાઈલેન્ડ વચ્ચેના સહિયારા સાંસ્કૃતિક અને સભ્યતા સંબંધોને સુંદર રીતે પ્રદર્શિત કરે છે.”

    PM મોદીએ કહ્યું કે રામાયણ એશિયાના ઘણા ભાગોમાં હૃદય અને પરંપરાઓને જોડે છે. નોંધનીય છે કે AI રિસર્ચર અને અમેરિકાના જાણીતા પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથેના પોડકાસ્ટમાં પણ PM મોદીએ શ્રીરામ કેવી રીતે સૌને એક સાથે જોડે છે એ અંગે વિસ્તૃત વાતચીત કરી હતી.

    ઉલ્લેખનીય છે કે PM નરેન્દ્ર મોદી 4 એપ્રિલના રોજ BIMSTEC નેતાઓ સાથે વાતચીત કરશે. BIMSTECમાં (બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી-સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન) દેશો, થાઇલેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, મ્યાનમાર અને ભૂટાનના નેતાઓ ભાગ લેવાના છે.