ધોરણ 1થી 5માં ત્રીજી ભાષા તરીકે હિન્દીને સામેલ કરવાના નિર્ણયને મહારાષ્ટ્ર સરકારે પરત ખેંચી લીધા બાદ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક મંચ પર સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન ઠાકરેબંધુઓએ મરાઠી ભાષાની ‘અસ્મિતા’ની વાત કરી હતી અને હિન્દીને થોપવામાં આવતી હોવાનો દાવો કર્યો હતો. આ ઘટના બાદ એમકે સ્ટાલિને ઠાકરેબંધુના ‘અભિયાન’નું સમર્થન કર્યું હતું. જોકે, હવે ઉદ્ધવ સેનાએ સ્ટાલિનના આ નિવેદનથી અંતર બનાવી લીધું છે.
ઉદ્ધવ સેનાના સંજય રાઉતે કહ્યું છે કે, “હિન્દી થોપવા વિરુદ્ધના વલણનો તેમનો (સ્ટાલિન) અર્થ એ છે કે, તેઓ હિન્દી નહીં બોલે અને ન તો કોઈને બોલવા દે. પણ મહારાષ્ટ્રમાં અમારું વલણ તેવું નથી. અમે હિન્દી બોલીએ છીએ. અમારું વલણ એ છે કે, પ્રાથમિક વિદ્યાલયોમાં હિન્દી માટે સખ્તી સહન નહીં કરવામાં આવ. અમારી લડાઈ અહીં સુધી જ સીમિત છે.”
વધુમાં રાઉતે કહ્યું છે કે, તેમણે કોઈને હિન્દી બોલતા રોક્યા નથી. કારણ આપતા તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં હિન્દી ફિલ્મો, થિયેટરો અને હિન્દી સંગીત છે. વધુમાં તેમણે ફરી એ જ વાત કરી હતી કે, તેઓ હિન્દીનો વિરોધ નથી કરતા.
નોંધનીય છે કે, ઠાકરેબંધુ એકસાથે મંચ પર જોવા મળ્યા બાદ સ્ટાલિને તેમનું સમર્થન કર્યું હતું અને કહ્યું હતું કે, “ભાષા અધિકારનો સંઘર્ષ, જે DMK અને તમિલનાડુના લોકો દ્વારા ‘હિન્દી થોપવાના’ વિરોધમાં પેઢી દર પેઢી ચલાવવામાં આવી રહ્યો છે, તે હવે રાજ્યની સરહદોને વટી ગયો છે અને મહારાષ્ટ્રમાં વિરોધના વંટોળની જેમ તબાહી મચાવી રહ્યો છે.” વધુમાં તેમણે એવું કહ્યું હતું કે, ‘હિન્દી થોપવા’ વિરુદ્ધ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં મુંબઈમાં આયોજિત વિજય રેલીનો ઉત્સાહ અને ‘શક્તિશાળી ભાષણ’ તેમને ખુશ કરે છે.