પ્રખ્યાત EV કંપની ટેસ્લાએ ભારતમાં સત્તાવાર રીતે ભરતી શરૂ કરી દીધી છે, જે દર્શાવે છે કે કંપની ટૂંક સમયમાં ભારતીય બજારમાં પ્રવેશ કરવા જઈ રહી છે. અમેરિકામાં ટેસ્લાના CEO ઈલોન મસ્ક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની મુલાકાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ટેસ્લાએ સોમવારે (17 ફેબ્રુઆરી, 2025) તેના લિંક્ડઇન પ્રોફાઇલ પર 13 નવી નોકરીઓની જગ્યાઓ માટે જાહેરાત જાહેર કરી છે. તેમાં મુંબઈ અને દિલ્હી માટે સર્વિસ ટેકનિશિયન અને કન્સલ્ટન્ટ સહિત વિવિધ ભૂમિકાઓનો સમાવેશ થાય છે. આ સાથે જ કસ્ટમર એંગેજમેન્ટ મેનેજર અને ડિલિવરી ઓપરેશન્સ સ્પેશિયાલિસ્ટ જેવા પદો ફક્ત મુંબઈ માટે જ ઉપલબ્ધ છે.
ભારત અને ટેસ્લા વચ્ચે લાંબા સમયથી વાતચીત ચાલી રહી હતી, પરંતુ ઊંચા આયાત શુલ્કને કારણે ટેસ્લાએ અત્યાર સુધી રોકાણ કર્યું નથી. તાજેતરમાં, ભારતે $40,000થી વધુ કિંમતની હાઇ-એન્ડ કાર પરની બેઝિક કસ્ટમ ડ્યુટી 110%થી ઘટાડીને 70% કરી છે, જે ટેસ્લાને મોટો ફાયદો કરાવશે.