Tuesday, March 25, 2025
More

    અમેરિકા: લાસ વેગસમાં ટ્રમ્પ હોટેલની બહાર ટેસ્લા સાયબર ટ્રકમાં વિસ્ફોટ, એકનું મોત

    અમેરિકામાં નવા કેલેન્ડર વર્ષના પ્રથમ દિવસે જ ઉપરાછાપરી હુમલાઓ થઈ રહ્યા છે. ન્યૂ ઓર્લિયન્સમાં એક માર્કેટમાં શમસુદ્દીન જબ્બાર નામના શખ્સે ટ્રક ઘૂસાડીને પંદરેક લોકોને કચડી માર્યા બાદ લાસ વેગસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની માલિકીની એક હોટેલની બહાર ટેસ્લા સાયબરટ્રકમાં વિસ્ફોટ થયો હતો. 

    હુમલામાં ડ્રાઇવર મૃત્યુ પામ્યો છે, જ્યારે આસપાસથી પસાર થતી સાત વ્યક્તિઓને નાની-મોટી ઈજા પહોંચી છે. જેમાંથી 2ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલા બાદ ટ્રમ્પ ઈન્ટરનેશનલ હોટેલ ખાલી કરાવી દેવામાં આવી હતી. 

    સાયબર ટ્રક એ ઈલોન મસ્કની માલિકીની કંપની ટેસ્લા દ્વારા નિર્મિત એક વાહન છે, જે દુનિયાભરમાં લોકપ્રિય છે. ઘટના સમયે તેમાં ગેસ અને ઇંધણનાં કેનિસ્ટર ભરવામાં આવ્યાં હતાં. 

    આ ઘટના ન્યૂ ઓર્લિયન્સની ઘટનાના થોડા કલાકો બાદ જ બની છે. હાલ USની એજન્સીઓ એ દિશામાં તપાસ કરી રહી છે કે બંને વચ્ચે કોઈ જોડાણ છે કે કેમ. જોકે, હજુ સુધી આવી કોઈ બાબત સામે આવી નથી. 

    બીજી તરફ, ન્યૂ યોર્ક શહેરમાં પણ તાજેતરમાં એક ગોળીબારની ઘટના સામે આવી છે, જેમાં ઘણાને ઈજા પહોંચી છે.