Monday, November 4, 2024
More

    કાશ્મીરમાં આતંકવાદીઓએ બે જવાનોનું કર્યું અપહરણ: એકનો બચાવ, બીજાનો મૃતદેહ મળ્યો; શરીર પર ગોળીનાં નિશાન

    જમ્મુ-કાશ્મીરથી (Jammu-Kashmir) ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. અહીં અનંતનાગ વિસ્તારમાં ઇસ્લામી આતંકવાદીઓએ બે જવાનોનું અપહરણ કરી લીધું હતું.  જેમાંથી એક બચી શક્યા છે, જ્યારે અન્ય એક જવાનનો મૃતદેહ મળી આવ્યો છે. 

    રિપોર્ટ્સ અનુસાર, બુધવારે (9 ઑક્ટોબર) સવારે ટેરિટોરિયલ આર્મીના બે જવાનોનું આતંવાદીઓએ અનંતનાગનાં જંગલોમાંથી અપહરણ કરી લીધું હતું. જોકે, તેમાંથી એક જવાન પરત આવવામાં સફળ થયો હતો. જ્યારે લાપતા સૈનિકની શોધખોળ માટે સુરક્ષાદળોએ તાત્કાલિક સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. 

    તાજા અહેવાલો અનુસાર, બીજા જવાનનો મૃતદેહ મળી આવ્યો છે, જેમના શરીર પર ગોળીનાં નિશાન જોવા મળ્યાં છે. તેઓ 24 કલાકથી લાપતા હતા અને સુરક્ષાબળો તેમને શોધી રહ્યા હતા. પરંતુ આતંકવાદીઓએ તેમની હત્યા કરી નાખી હતી. 

    જવાનની ઓળખ હિલાલ અહેમદ તરીકે થઈ હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. જ્યારે બચેલા ઇજાગ્રસ્ત જવાનને આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેઓ હાલ સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.