આખરે આતંકવાદી તહવ્વુર રાણાને અમેરિકાથી પ્રત્યાર્પિત કરીને ભારત લાવવાનું ઑપરેશન એજન્સીઓએ સફળતાપૂર્વક પાર પાડ્યું છે. બુધવારે અમેરિકાથી આતંકવાદીને લઈને રવાના થયેલી ફ્લાઈટ ગુરુવારે સાંજે દિલ્હી એરપોર્ટ પર આવી પહોંચી. ત્યારબાદ રાણાની ધરપકડ કરી લેવામાં આવી.
NIAએ સમગ્ર કાર્યવાહીની પુષ્ટિ કરીને એક પ્રેસ વિજ્ઞપ્તિમાં તમામ જાણકારી આપી છે. એજન્સીએ કહ્યું કે, 2008ના મુંબઈ હુમલાનાં આટલાં વર્ષો પછી પણ એજન્સી આતંકવાદીને ન્યાયનો સામનો કરવા સુધી ખેંચી લાવી છે. એજન્સીએ જણાવ્યું કે, રાણા અમેરિકામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો અને તેના તમામ ધમપછાડા પછી પણ આખરે પ્રત્યાર્પણ થઈને જ રહ્યું.
NIA Secures Successful Extradition of 26/11 Mumbai Terror Attack Mastermind Tahawwur Rana from US pic.twitter.com/sFaiztiodl
— NIA India (@NIA_India) April 10, 2025
એજન્સીએ જણાવ્યું કે, તહવ્વુર રાણા ડેવિડ કોમેન હેડલી અને લશ્કર-એ-તૈયબાના અન્ય આતંકવાદીઓ સાથે મળીને 2008ના મુંબઈ આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવામાં સામેલ હતો. આ હુમલામાં 166 વ્યક્તિઓ મૃત્યુ પામી હતી અને 238ને ઈજા પહોંચી હતી.
અહેવાલો અનુસાર, એરપોર્ટ પર જ તહવ્વુરનું મેડિકલ કરાવવામાં આવી રહ્યું છે. ત્યારબાદ તેને સ્પેશિયલ કોર્ટ લઈ જવામાં આવશે. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર અને તેમની ટીમ કોર્ટ પહોંચી ચૂકી છે. અહીંથી આતંકવાદીને કસ્ટડીમાં મોકલવામાં આવશે. NIAને અમુક દિવસના રિમાન્ડ મળી શકે, જેમાં એજન્સી તેની પૂછપરછ કરશે. ત્યારબાદ જરૂર પડે તો વધુ રિમાન્ડની માંગ કરવામાં આવશે, અન્યથા તિહાડ જેલ મોકલી દેવામાં આવશે.