26/11ના મુંબઈ આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદી તહવ્વુર રાણાને અમેરિકાથી પ્રત્યાર્પિત કરીને ભારત લાવવામાં આવી રહ્યો છે. બુધવારે (9 એપ્રિલ) અમેરિકાથી રાણાને લઈને રવાના થયેલી ભારતીય એજન્સીઓની ટીમ ગુરુવારે દિલ્હી આવી પહોંચશે.
રાણાને લઈ જવા માટે એજન્સીઓની અન્ય ટીમો એરપોર્ટ પર પહેલેથી પહોંચી ગઈ હતી. એજન્સીઓ દ્વારા સુરક્ષાની પણ પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
અહેવાલો અનુસાર, તહવ્વુર રાણાને હવે સીધો NIA હેડક્વાર્ટર લઈ જવામાં આવશે, જ્યાં એજન્સીના અધિકારીઓ પૂછપરછ કરશે. તેને દિલ્હીની તિહાડ જેલમાં રાખવામાં આવશે તેવા સમાચાર છે. ટ્રાયલ ચલાવવા માટે કોર્ટે પહેલેથી જ મુંબઈની કોર્ટમાંથી દસ્તાવેજો મગાવી લીધા છે અને બીજી તરફ ગૃહ મંત્રાલયે પણ ત્રણ વર્ષ માટે એક સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરી દીધી છે.
છેક 2008માં થયેલા મુંબઈ આતંકવાદી હુમલા અગાઉ તેનો પ્લાન ઘડવામાં અને શહેરની રેકી કરવામાં તહવ્વુર રાણાએ અગત્યની ભૂમિકા ભજવી હતી અને ત્યારથી જ એજન્સીઓએ તેની સામે કેસ દાખલ કરી દીધા હતા. પરંતુ તે અમેરિકા છૂપાઈને બેઠો હતો. આખરે વર્ષોની કાયદાકીય પ્રક્રિયાઓ બાદ તેને ભારત લાવી શકાયો છે. હવે તે અહીં ન્યાયનો સામનો કરશે.
(અગાઉ સમાચાર આવ્યા હતા કે તહવ્વુરને લઈને આવતું વિમાન લેન્ડ થઈ ચૂક્યું છે, પરંતુ પછીથી પુષ્ટિ થતાં લેખ અપડેટ કરવામાં આવ્યો છે.)