2008ના મુંબઈ આતંકવાદી હુમલામાં સામેલ પાકિસ્તાન મૂળના આતંકવાદી તહવ્વુર રાણાને (Tahawwur Rana) ભારત પ્રત્યાર્પિત કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ માટે બંને દેશો વચ્ચે રાજદ્વારી સ્તરની પ્રક્રિયાઓ ચાલી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ‘ધ ઈકોનોમિક ટાઇમ્સ’ના રિપોર્ટ અનુસાર, જલ્દીથી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને આતંકીને ભારત લાવવામાં આવશે, જ્યાં તેની સામે કેસ ચાલશે.
આ પહેલાં ઑગસ્ટ, 2024માં અમેરિકાની કોર્ટ ઑફ અપીલના જજોની બેન્ચે ઠેરવ્યું હતું કે તહવ્વુર રાણાને ભારત પ્રત્યાર્પિત કરી શકાય છે અને તેની હેબિયસ કૉર્પસ અરજી ફગાવવાના ડિસ્ટ્રિક્ટ કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો હતો. ત્યારથી જ તેને ભારત લાવવા માટે તૈયારીઓ તેજ કરવામાં આવી હતી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, જે આરોપો છે તે ગુનાઓ તહવ્વુરે આચર્યા છે તે માનવા માટે પૂરતાં કારણો પણ છે.
તહવ્વુર રાણા સામે પાકિસ્તાની એજન્સી ISI અને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા માટે કામ કરવાનો આરોપ છે. મુંબઈ પોલીસે 26/11 હુમલાના કેસમાં રજૂ કરેલી ચાર્જશીટમાં તેની સામે ડેવિડ હેડલીની મદદ કરવાનો આરોપ લગાવ્યો હતો. હેડલી એ જ શખ્સ છે, જેણે હુમલા પહેલાં મુંબઈ આવીને રેકી કરી હતી.