ઇઝરાયેલના (Israel) તેલ અવીવમાં (Tel Aviv) આતંકી હુમલો (Terror Attack) થયો છે. અબ્દેલ અઝીઝ નામના આતંકવાદીએ આડેધડ છરો ચલાવીને 4 ઇઝરાયેલી નાગરિકોને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ અઝીઝ મોરક્કોનો નાગરિક છે. તેની પાસે અમેરિકાનું ગ્રીન કાર્ડ પણ છે. હુમલો કર્યા બાદ ઇઝરાયેલી પોલીસે તેને ઠાર માર્યો હતો.
ટાઇમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ અનુસાર સુરક્ષા એજન્સી શિન બેટના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આતંકવાદી અબ્દેલ અઝીઝને ઇઝરાયેલમાં પ્રવેશતી વખતે સુરક્ષાકર્મીઓએ અટકાવ્યો હતો, પરંતુ બાદમાં તેને એન્ટ્રી આપી દેવામાં આવી હતી. શંકાસ્પદ હોવા છતાં તેને બોર્ડર ક્રોસ કરીને એન્ટ્રી કેમ આપવામાં આવી તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. અબ્દેલ 18 જાન્યુઆરીએ ટૂરિસ્ટ વિઝા પર ઈઝરાયેલમાં ઘૂસ્યો હતો. ઇઝરાયેલમાં ત્રણ દિવસની અંદર આ બીજો આતંકી હુમલો છે.
હુમલામાં ઘાયલોમાં બેની ઉંમર 24 વર્ષ છે, જ્યારે અન્ય બે લોકોની ઉંમર 28 અને 59 વર્ષ છે. આ મામલે ગૃહમંત્રી મોશે આર્બેલે જણાવ્યું હતું કે અબ્દેલ અઝીઝ જ્યારે બેન ગુરિઓન એરપોર્ટ પર ઉતર્યો ત્યારે ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા તેને જોખમરૂપ માનવામાં આવતો હતો. તેને પૂછપરછ માટે સુરક્ષા અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો, જેમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ દુઃખની વાત એ છે કે, સુરક્ષા અધિકારીઓએ તેને ઇઝરાયલમાં પ્રવેશવાની મંજૂરી આપી દીધી હતી.
ઇઝરાયેલમાં પ્રવેશ્યા બાદ તેનું સુરક્ષા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, પૂછપરછ અને તપાસ બાદ આખરે નિર્ણય લેવાયો કે તેને દેશમાં એન્ટ્રી કરવા દેવામાં આવે. જણાવવામાં આવી રહ્યું છે કે હુમલાખોરે પહેલાં ત્રણ લોકોને ચાકૂ માર્યા. આ ઘટના બાદ જયારે અફરાતફરીમાં લોકો ત્યાંથી ભાગવા લાગ્યા પરંતુ આતંકવાદીએ ભાગી રહેલા વ્યક્તિને પણ ચાકુ પણ મારી દીધું. આ રીતે આ ઘટનામાં કુલ 4 લોકો ઘાયલ થયા હતા. તે અન્ય કોઈ નાગરિકને નિશાન બનાવે તે પહેલાં જ ઈઝરાયેલી પોલીસે તેને ગોળી મારી દીધી હતી.