તેલંગાણા પોલીસે કુલ 25 કથિત હસ્તીઓ અને ઈન્ફ્લુએન્સરો વિરુદ્ધ ગેરકાયદેસર જુગારની એપ્લિકેશનોને પ્રમોટ કરવા બદલ કેસ દાખલ કર્યો છે. યાદીમાં રાણા દગ્ગુબાતી, પ્રકાશ રાજ, વિજય દેવરકોંડા વગેરે અભિનેતાઓ સામેલ છે.
એક 32 વર્ષીય વ્યક્તિએ ફરિયાદ નોંધાવ્યા બાદ હૈદરાબાદના મિયાંપુર પોલીસ મથકે આ FIR દાખલ કરવામાં આવી હતી.
FIRમાં જણાવવામાં આવ્યું કે, આ પ્લેટફોર્મ સોશિયલ મીડિયા પર આ ઇન્ફ્લુએન્સરો અને અભિનેતાઓની મદદથી તેમની એપ્લિકેશન અને વેબસાઇટને પ્રમોટ કરે છે. આ ગેકાયદેસર માધ્યમોમાં હજારો અને લાખો રૂપિયાની હેરફેર થતી હોય છે અને તેના કારણે અનેક પરિવારો કંગાળ થઈ ગયા છે, જેમાં મોટાભાગના મધ્યમવર્ગીય અને ગરીબ પરિવારો છે.
ફરિયાદીએ કહ્યું કે, જે લોકો સતત આ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય તેઓ મહેનતનો પૈસો ગુમાવી શકે છે અને બીજી તરફ આ અભિનેતાઓ પ્રચાર કરવા માટે તગડી રકમ વસૂલે છે. FIRમાં ભારતીય ન્યાય સંહિતા અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની સુસંગત કલમો લગાડવામાં આવી છે.