ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ભારતીય ક્રિકેટ ટીમ વિજેતા બની છે. કેપ્ટન રોહિત શર્માના 75 રન અને શ્રેયસ ઐયરના 48 રનની મદદથી ભારતીય ટીમે 252નું લક્ષ્યાંક સફળતાપૂર્વક પાર કર્યું અને તેની સાથે વધુ એક ICC ટ્રોફી ઊંચકી.
ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવર બાદ 7 વિકેટના નુકસાન પર 251 રન બનાવ્યા હતા અને ભારતને 252નો ટાર્ગેટ આપ્યો હતો.
ભારતે ત્યારબાદ બેટિંગ કરતાં સ્થિર શરૂઆત કરી હતી અને રોહિત શર્મા અને શુભમન ગિલે 105 રનની ભાગીદારી કરી. રોહિત શર્માએ 83 બોલમાં 76 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી, જ્યારે શુભમન ગિલે 50 બોલમાં 31 રન બનાવ્યા. જોકે વિરાટ કોહલી આજે કોઈ કમાલ ન કરી શક્યા અને માત્ર 1 રનમાં પેવેલિયન પરત ફરવું પડ્યું.
ત્યારબાદ શ્રેયસ ઐયરે આવીને ફરી લય પકડ્યો હતો અને 62 બોલમાં 48 રન કરીને સ્કોરબોર્ડ આગળ ધપાવ્યું. અક્ષર પટેલે પણ તેમનો સાથ આપીને 40 બોલમાં 29 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી. હાર્દિક પંડ્યાએ પણ 18 બોલમાં 18 રન કરીને ટીમને જીત નજીક પહોંચાડવામાં યોગદાન આપ્યું.
અંતે રસાકસીની મેચમાં ક્રીઝ પર કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા હતા. અંતે 49મી ઓવરના અંતિમ બોલે રવિન્દ્ર જાડેજાએ બાઉન્ડ્રી મારીને ટીમને જીત અપાવી.
મેચમાં ભારત તરફથી મોહમ્મદ શમીએ 9 ઓવરમાં 74 રન આપીને 1 વિકેટ મેળવી. વરુણ ચક્રવર્તીએ 45 રન સાથે 2 વિકેટ મેળવી. કુલદીપ યાદવે 10 ઓવરમાં 45 રન આપીને 2 વિકેટ લીધી હતી. રવિન્દ્ર જાડેજાએ 10 ઓવરમાં માત્ર 30 રન આપીને 1 વિકેટ મેળવી.